રાજકોટ: અંદાજે 22 વર્ષનાં લાંબા એટલે બે દાયકાનાં લાંબા ગાળા બાદ પરેશ ધાનાણી અને પુરષોત્તમ રૂપાલા એકબીજા સામે ચૂંટણીનો જંગ લડી રહ્યા છે, બન્ને ઉમ્મેદવારો અમરેલીનાં છે અને રાજકોટની લોકસભા બેઠક પરથી બન્નેએ ફરી પાછા એકબીજા સામે રાજકીય જંગની શરૂઆત કરી છે, એવા સમયમાં બંને ઉમેદવારો દ્વારા રજુ કરાયેલા ઉમેદવારી પત્રકમાં લોકોને ખુબજ રસ પડ્યો છે. રાજકોટ લોકસભા પરથી ભાજપનાં ઉમેદવાર પુરષોત્તમ રૂપાલાની સહિયારી મિલકત અંદાજે 17.34 કરોડ રૂપિયા આસપાસ છે ત્યારે પરેશ ધાનાણીની સહિયારી મિલકત 2.09 કરોડ રૂપિયા છે.
પરેશ ધાનાણીની સહયારી સંપત્તિ
- સંયુક્ત સહિયારી મિલકત : 2.09 કરોડ રૂપિયા
- પરેશ ધાનાણીના નામે 1.66 કરોડની કુલ મિલકત
- પરેશ ધાનાણીના પત્ની વર્ષાબહેનનાં નામે 43 લાખ રૂપિયાની કુલ મિલકત
- સ્થાવર મિલકત (જમીન-મકાન વગેરે) 1.10 કરોડ રૂપિયા
- મિલકત (રોકાણ, શેર, મ્યુચ્યુલ ફંડ, સોનુ-ચાંદી, હાથ પરની રોકડ વગેરે) 56 લાખ રૂપિયાની
- પત્નીનાં નામે સ્થાવર મિલકત (જમીન મકાન વગેરે) 15 લાખ રૂપિયાની
- પત્નીનાં નામે જંગમ મિલકત (રોકાણ, શેર, મ્યુચ્યુલ ફંડ, સોનુ-ચાંદી, હાથ પરની રોકડ વગેરે) 28 લાખ રૂપિયાની
- પોતાનાં પાસે અંદાજિત 8 લાખ રૂપિયા આસપાસ 120 ગ્રામ સોનાનાં દાગીના
- પત્ની પાસે અંદાજિત 17.16 લાખ રૂપિયા આસપાસ 260 ગ્રામ સોનાનાં દાગીના
- પોતાની પાસે હાથ પરની રકમ 1.40 લાખ રૂપિયા
- પત્ની પાસે હાથ પરની રકમ 1.56 લાખ રૂપિયા
- પોતાના નામે રોકાણ/લોન/ભાગીદારી : 46.55 લાખ રૂપિયા
- પત્નીનાં નામે રોકાણ/લોન/ભાગીદારી : 9.40 લાખ રૂપિયા
કોઈ ગુનાહિત ઇતિહાસ નહીં: નાણાકીય દ્રષ્ટિએ જોઈએ તો બન્ને ઉમેદવારોનાં એફિડેવિટમાં આલેખવામાં આવેલી વિગતો મુજબ આ લડાઈમાં રૂપાલા ધાનાણી કરતાં ચોક્કસ મજબૂત ખેલાડી સાબિત થઈ રહ્યા છે, પરંતુ જનાદેશમાં બંને ખેલાડીઓમાંથી કોણ મેદાન મારી જશે તે વિષે અનેકો અનેક અટકળો ચાલી રહી છે. રૂપાલા વિરુદ્ધ રાજપૂતોનાં યુદ્ધમાં હવે રાજપૂતોની લડાઈ બૌદ્ધિક હોવાની વાત સાથે રાજપૂતો પણ રૂપાલાને હરાવવા રણનીતિઓ ઘડી રહ્યા છે, ત્યારે રૂપાલાને એમની હોમપીચ પર જ હંફાવનારા ધાનાણી પણ જનસમર્થન મેળવવામાં કોઈ કસર છોડી રહ્યા નથી. ભાજપ પાસે બુથ મેનેજમેન્ટ છે અને આ ચૂંટણીને વિકસિત ભારતનાં મુદ્દે લડી રહી છે, તો બીજી તરફ રાજકોટ ખાતે રૂપાલાએ ક્ષત્રિયો વિરુદ્ધ કરેલા નિવેદન બાદ કોંગ્રેસ અને ઈન્ડિયા ગઠબંધનએ આ ચૂંટણી જંગને જન સ્વાભિમાનનો જંગ બનાવી દીધો છે.