નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં આજે શનિવારે લોકસભા ચૂંટણી 2024ના છઠ્ઠા તબક્કામાં તમામ સાત બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. રાજધાનીમાં આવું પહેલીવાર થઈ રહ્યું છે જ્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ તેમની પોતાની પાર્ટીને મત આપી શકશે નહીં. તો બીજી તરફ અરવિંદ કેજરીવાલ પણ તેમની આમ આદમી પાર્ટીને મત આપી શકશે નહીં. સીએમ કેજરીવાલ કોંગ્રેસના ઉમેદવારને મત આપશે. જ્યારે કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી આમ આદમી પાર્ટી દ્વારા સમર્થિત ઉમેદવારને મત આપશે.
દિલ્હીમાં આમ આદમી પાર્ટી ઈન્ડિયા ગઠબંધન હેઠળ કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડી રહી છે. દિલ્હીમાં લોકસભાની સાત બેઠકો છે. આમ આદમી પાર્ટીના ઉમેદવારો નવી દિલ્હી, પૂર્વ દિલ્હી, દક્ષિણ દિલ્હી અને પશ્ચિમ દિલ્હી લોકસભા બેઠકો પરથી ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસે નવી દિલ્હી લોકસભા સીટ AAPને આપી છે. આ બેઠક પર કોંગ્રેસના ટોચના નેતાઓ મતદારો છે. જેમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, રોબર્ટ વાડ્રા અને અન્ય નેતાઓ સામેલ છે.
કયા નેતા ક્યા જશે મતદાન કરવા:
- સોનિયા ગાંધી: નિર્માણ ભવન મૌલાના આઝાદ રોડ
- અરવિંદ કેજરીવાલઃ ટ્રાન્સપોર્ટ ઓફિસ, હિલ રોડ દિલ્હી
- રાહુલ ગાંધી: અટલ આદર્શ વિદ્યાલય ઔરંગઝેબ લેન
- પ્રિયંકા ગાંધી વાડ્રા: અટલ આદર્શ વિદ્યાલય લોધી એસ્ટેટ
- રોબર્ટ વાડ્રા: વિદ્યા ભવન મહાવિદ્યાલય સિનિયર સેકન્ડરી સ્કૂલ, લોધી એસ્ટેટ
સોનિયા ગાંધીએ દિલ્હીના મૌલાના આઝાદ રોડ સ્થિત નિર્માણ ભવનમાં કર્યુ મતદાન
પ્રિયંકા ગાંધી વાડ્રાએ દિલ્હીમા લોધી એસ્ટેટ સ્ટિત અટલ આદર્શ વિદ્યાલયમાં કર્યુ મતદાન
બીજી તરફ કોંગ્રેસના ઉમેદવારો ચાંદની ચોક ઉત્તર પૂર્વ દિલ્હી અને ઉત્તર પશ્ચિમ દિલ્હી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. સિવિલ લાઇન ચાંદની ચોક લોકસભા સીટ હેઠળ આવે છે. જ્યાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું સત્તાવાર નિવાસસ્થાન છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમની આમ આદમી પાર્ટીને વોટ આપી શકશે નહીં. અરવિંદ કેજરીવાલ પરિવાર સાથે ગઠબંધનના ભાગરૂપે આજે શનિવારે સવારે 11 વાગ્યે કોંગ્રેસના ઉમેદવાર જેપી અગ્રવાલને મત આપવા માટે જશે.