જુનાગઢ: જુનાગઢ જિલ્લાની માણાવદર વિધાનસભા બેઠક પર સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી જીતેલા અરવિંદ લાડાણીએ રાજીનામું આપીને ભાજપમાં ભળી જતા લોકસભાની સામાન્ય ચૂંટણીની સાથે માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણી પણ થઈ રહી છે જેમાં આજે ભાજપના ઉમેદવાર તરીકે અરવિંદ લાડાણી અને કોંગ્રેસના ઉમેદવાર તરીકે હરિભાઈ કણસાગરાએ ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું આ તકે તેમની સાથે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા
ભાજપ-કોંગ્રેસ વચ્ચે જંગ: કોંગ્રેસ માંથી ભાજપમાં જોડાયેલા અરવિંદ લાડાણી પર ભાજપે ફરી એક વખત માણાવદર વિધાનસભા બેઠક પર ઉમેદવાર બનાવીને વિશ્વાસ વ્યક્ત કર્યો છે. વર્ષ 2019માં યોજાયેલી પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા પરંતુ તેનો કોંગ્રેસના જવાહર ચાવડા સામે પરાજય થયો હતો. ત્યારબાદ વર્ષ 2022ની સામાન્ય ચૂંટણીમાં અરવિંદ લાડાણી કોંગ્રેસના ઉમેદવાર તરીકે જવાહર ચાવડાને પરાજય આપીને ધારાસભ્ય બનવામાં સફળ રહ્યા હતા. જે હવે ફરી એક વખત કોંગ્રેસ માંથી રાજીનામું આપીને ભાજપના ઉમેદવાર તરીકે માણાવદર વિધાનસભા બેઠક પર ત્રીજી વખત ધારાસભાની ચૂંટણી લડી રહ્યા છે.
હરિભાઈ કણસાગરા પહેલીવાર ઉમેદવારઃ કોંગ્રેસે જાહેર કરેલા ઉમેદવાર હરિભાઈ કણસાગરા પ્રથમ વખત માણાવદર વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે. અગાઉ તેઓ જુનાગઢ જિલ્લા પંચાયતની પાજોદ બેઠક પરથી કોંગ્રેસના સભ્ય તરીકે ચૂંટણી જીતી ચૂક્યા છે. છેલ્લા બે વખતથી તેઓ કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા માટે તેમની દાવેદારી કરી રહ્યા હતા, પરંતુ પાર્ટીએ તેમને ટિકિટ આપી ન હતી. આ વખતે તેમનો ચોથો પ્રયત્ન સફળ થયો છે અને તેઓ કોંગ્રેસના ઉમેદવાર બનવામાં સફળ રહ્યા છે.