અમદાવાદઃ ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહે પોતાના હોમ સ્ટેટથી લોકસભા ચૂંટણીના પ્રચારના શ્રીગણેશ કરી દીધા છે. આવતીકાલે તેઓ (19 એપ્રિલ) પોતાની ઉમેદવારી નોંધાવી રહ્યા છે. બે દિવસીય ગુજરાતની મુલાકાતે આવેલા અમિત શાહે આજે ઝંઝાવાતી પ્રચાર કરતા અને રાજકીય કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. ઉમેદવારી નોંધાવતા પહેલાં આજે અમિત શાહે ગાંધીનગર લોકસભા બેઠક વિસ્તારમાં રેલી યોજી હતી. આજે સવારે સાણંદ અને કલોલ ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સાણંદ APMC સર્કલ ખાતે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અમિત શાહની રેલીમાં જોડાવા માટે ઊમટી પડ્યા હતાં.
આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સાણંદ અને અમદાવાદમાં પણ બે રોડ શો યોજ્યા હતાં જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત અને મોટા નેતાઓ અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં. અમિત શાહનો રોડ શો વેજલપુર સમાપ્ત થયો હતો અને પછી ત્યાં જનસભામાં ફેરવાયો હતો. અહીં લોકોને સંબોધન કરતા અમિત શાહે ભાજપની વિકાસલક્ષી રાજનીતિનો ઉલ્લેખ કરતા મોદી સરકારની ઉપલબ્ધીઓનું વર્ણન કર્યુ હતું. આ ઉપરાંત પોતાના સંબોધનમાં તેઓ કોંગ્રેસ અને વિપક્ષના નેતાઓ પર નિશાન સાધવાનું ચુક્યા ન હતા. અમિત શાહે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને આડેહાથ લેતા આકાર પ્રહાર કર્યા હતાં. શાહે કહ્યું કે, રાહુલ અને પ્રિયંકાને ખુદ કોંગ્રેસના નેતાઓ જ ગંભીરતાથી લેતા નથી તો દેશની જનતા કેવી રીતે તેમને ગંભીરતાથી લે.