તાપી: લોકસભાની ચૂંટણી 2024ને લઈને રાજ્યમાં હાલ ઉમેદવારો દ્વારા જોરશોરથી ઉમેદવારી નોંધાવાની પ્રક્રીયા ચાલી રહી છે, ત્યારે બારડોલી લોકસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર અને ફરી ત્રીજી ટર્મ માટે આ બેઠક પર ચૂંટણી લડી રહેલા પ્રભુ વસાવાએ આજે વ્યારા ખાતે જંગી જાહેરસભા યોજીને શક્તિ પ્રદર્શન કર્યુ હતું અને ત્યાર બાદ ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી પત્ર ભર્યું હતું, આ પ્રસંગે મંત્રી કુંવરજી હળપતિ, ધારાસભ્ય ગણપત વસાવા, મોહન ઢોળીયા, સંદીપ દેસાઈ સહિતના સૂરત તાપી જિલ્લાના ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
બારડોલી સીટ પર ભાજપના ડમી ઉમેદવાર તરીકે અર્જુન ચૌધરીએ ઉમેદવારી પત્ર ભર્યું હતું, જનતાને સંબોધન દરમિયાન પ્રભુભાઈએ જંગી બહુમતીથી જીત મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા કરવામાં આવતા આક્ષેપોને વખોડી નાખ્યા હતા અને તેમના કરેલા કામોને ગણાવ્યા હતા.
બારડોલી લોકસભામાં 2014માં ભાજપના પ્રભુભાઈ વસાવાને કુલ 6,22,769 મતો મળ્યા હતા, જયારે કોંગ્રેસના ડો તુષારભાઈ ચૌધરીને 4,98,885 મતો મળ્યા હતા, આમ બારડોલી લોકસભા સીટ પરથી પ્રભુભાઈ વસાવા 1,23,884 મતે વિજેતા થયા હતા. તેજ રીતે 2019ની લોકસભાની ચૂંટણીમાં પણ પ્રભુભાઈ વસાવાની જીત થઈ હતી, જ્યારે ભાજપે પક્ષે ચૂંટણી લડી રહેલા પ્રભુભાઈને 7,42,273 મતો મળ્યા હતા, જયારે કોંગ્રેસ પક્ષે ચૂંટણી લડી રહેલા ડો.તુષાર ચૌધરી ને 5,26,826 મતો મળતા, પ્રભુભાઈ વસાવાની 2,15,447 મતે ભવ્ય વિજય થયો હતો.