વલસાડ: કોંગ્રેસના દિગ્ગજ નેતા પ્રિયંકા ગાંધીએ ગુજરાતના વલસાડના ધરમપુરમાં જનસભાને સંબોધી હતી અને ભાજપ સરકારને આડે હાથ લીધી હતી. પ્રિયંકા ગાંધીએ કહ્યું, “આજે આપણા દેશના વડાપ્રધાન ઘણા અહંકારી છે. કોઈ તેમને કંઈ કહી શકે નહીં. તેઓ કેવી રીતે જાણશે કે તમારી સ્થિતિ શું છે? તે તમારી વચ્ચે આવતા પણ નથી. તેણીએ કહ્યું, “તમને યાદ છે ઈન્દિરાજી આવતા હતા. રાજીવજી આવતા હતા.
પ્રિયંકા ગાંધીએ આગળ કહ્યું, “આજે ખેડૂતને જુઓ. લાખો ખેડૂતો દિલ્હી આવીને વિરોધ કરી રહ્યા છે. તેમની વીજળી કપાઈ ગઈ છે. મોદી ઘરની બહાર નીકળતા નથી. 600 ખેડૂતો શહીદ થયા છે. ભાજપના મંત્રીએ કેટલાક ખેડૂતોને પોતાની જીપ નીચે કચડી નાખ્યા. મોદી કંઈ બોલતા નથી. તેણીએ કહ્યુ, મોદીને ફક્ત સત્તાની ચિંતા છે, તમારી નહી.
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, 45 વર્ષમાં બેરોજગારી આપણા દેશમાં સૌથી વધારે છે. પ્રિયંકા ગાંધીએ આ દરમિયાન એક નારો આપ્યો હતો કે એક તિર,એક કમાન, આદિવાસીઓ સૌ એક સમાન.
પ્રિયંકા ગાંધીએ આ દરમિયાન કહ્યું કે, મોંઘવારી એટલી વધી ગઈ છે કે જેની કોઈ હદ નથી. તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદી ચપટી વગાડી યુદ્ધ રોકાવી શક્યા તો ચપટી વગાડીને મોંઘવારી અને ગરીબી કેમ દૂર નથી કરી રહ્યા? આ સાથે તેમણે મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને પીએમ મોદીને “મોંઘવારી મેન” ગણાવ્યા હતા. લાંબા સમય બાદ પ્રિયંકા ગાંધી ગુજરાતના પ્રવાસે છે ત્યારે તેમણે બધે તરફથી મોદી સરકારને ઘેરવાના પ્રયાસો કર્યા હતા તેમણે કહ્યું કે, સરકારના મોટા મોટા દાવા કે અમે આ કરીશું પેલુ કરીશુ પણ કઈ થયું નથી. દેશમાં હાથરસ જેવા પણ કિસ્સા બન્યા.
સરકારે ઉદ્યોગપતિના 16 લાખ કરોડ માફ કર્યા: મહિલાઓ પર આપેલુ આરક્ષણ નામ માત્ર છે કારણ કે આ 5 – 6 વર્ષ સુધી લાગુ જ નહી થાય. સરકારે ઉદ્યોગપતિના 16 લાખ કરોડ રુપિયા માફ કરી દીધા પણ ગરીબ માટે શું કર્યું? કોઈ રોજગાર નથી મોંઘવારી ઓછી નથી થઈ રહી. આજથી 5 વર્ષ પછી જોશો તો પણ દેશની સ્થિતિ તેની તે જ હશે અને આ છે મોદી સરકારના કામો. મેડલ જીતનારી મહિલાઓ સાથે ચા પીનાર મોદીજી કેમ તેમની સમસ્યા સાંભળવા તૈયાર નથી.
આદિવાસીઓ , દલિતો અને ખેડૂતોને સરકાર છેતરી રહી
દેશના સરકારી અધિકારીઓ ગભરાયેલા છે. મિડીયા સાથે પણ મોદી સરકાર અન્યાય કરી રહી છે. આ સાથે દેશના આદિવાસીઓ , દલિતો અને ખેડૂતોને સરકાર છેતરી રહી છે અને કોઈ કામ કરી રહી નથી. મોદી વાતો કરે છે કે, દેશમાં 80 કરોડ લોકોને મફતમાં અનાજ અને રાશન આપવામાં આવે છે. અનાજ અને રાશનએ તેમનો અધિકાર છે પણ આ રાશનથી તમારા દિકરાનું ભવિષ્ય નહી બંધાય. આ સાથે પ્રિયંકા ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા.