અમદાવાદઃ બીજી યાદીમાં કોંગ્રેસે અમદાવાદ પૂર્વ અને પશ્વિમના ઉમેદવારો જાહેર કર્યા છે. અમદાવાદ પૂર્વથી યુવા નેતા રોહન ગુપ્તાને કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા છે. 48 વર્ષીય રોહન ગુપ્તા કોંગ્રેસનો જાણીતો ચહેરો છે. તમણે બીઝનેસ એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસ કર્યો છે. તેમણે સોશ્યલ મીડિયા હેડ તરીકેની જવાબદારી નીભાવી છે તેમજ આઇટી સેલના અધ્યક્ષ તરીકેનો પણ સારો એવો અનુભવ છે. બાદમાં ભાજપ સાથે સાંઠગાંઠ અંગે વિવાદ થયો હતો. તેમના પિતા રાજકુમાર ગુપ્તા પણ કોંગ્રેસના નેતા હતા. રોહનને ટીવી ડિબેટમાં કોંગ્રેસનો પક્ષ રજૂ કરતા અનેકવાર જોઇ શકાયા છે.
અમદાવાદ પૂર્વ બેઠક પર કોંગ્રેસનો ચહેરોઃ અમદાવાદ પૂર્વ બેઠક પર કોંગ્રેસે 2019માં ગીતા પટેલને ટિકિટ આપી હતી જેમનું પત્તુ આ વખતે અહીંથી રોહન ગુપ્તાને ટિકિટ આપીને કાપી નખાયું છે. ભાજપે આ બેઠક પર ગત ચૂંટણીમાં હસમુખ પટેલને ટિકિટ આપી હતી. ગત ચૂંટણીમાં ભાજપના હસમુખ પટેલને 7,49,834 વોટ મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ગીતા પટેલને માત્ર 3,15,504 મત મળ્યા હતા.
અમદાવાદ પૂર્વમાં કોંગ્રસની ઉત્તર ભારતીય મતદારો પર મહદઅંશે પકડ
અમદાવાદ પૂર્વમાં હિન્દીભાષી મતદારો પર કોંગ્રેસની મહદઅંશે હજી પકડ છે. તેથી, કોંગ્રેસ પાસે કોઇ મજબુત પાટીદાર ચહેરો ન હોવાથી ઉત્તર ભારતીય પર દાવ લગાડ્યો છે. પૂર્વમાં કોંગ્રેસનો મજબુત ચહેરો અમરાઇવાડીના પૂર્વ ધરમેન્દ્ર પટેલ હતા. તેમણે તાજેતરમાં કોંગ્રેસને રામરામ કરીને ભાજપનો દામન પકડી લીધો છે. તેથી, કોંગ્રેસે રોહન પર દાવ અજમાવ્યો છે.
અમદાવાદ પશ્વિમથી પૂર્વ ધારાસભ્ય ભરત મકાવાણા મેદાનમાં
કોંગ્રેસે અમદાવાદ પશ્વિમ અનામત સીટ પરથી ભરત મકવાણાને ટિકિટ આપી છે. ભરત મકવાણાનો મુકાબલો ભાજપના દિનેશ મકવાણા સાથે થશે. ભરત મકવાણાએ ગેજ્યુએશન સુધી અભ્યાસ કર્યો છે. તેમણે કાયદાની ડિગ્રી પણ મેળવી છે.
મકવાણા પરિવાર વર્ષોથી કોંગ્રેસ સાથે સંકળાયેલો
ભરત મકવાણા રાજકીય પરિવાર સાથે સંકળાયેલા છે. તેમના પિતા યોગેન્દ્ર મકવાણા ઇન્દીરા ગાંધી અને રાજીવ ગાંધી સરકારમાં કેન્દ્રીય મંત્રી રહી ચુક્યા છે. તેઓ કોંગ્રેસના દિગ્ગજ દલીત ચહેરા તરીકે ઉભર્યા હતા. ભરત મકવાણા પણ આણંદ જિલ્લાની સોજીત્રા સીટ પરથી ધારાસભ્ય રહી ચુક્યા છે. તેમના માતા શાંતાબેન મકવાણા પણ સોજીત્રાથી ત્રણવાર ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા હતાં. મકવાણા પરિવાર મૂળ કોંગ્રેસી પરિવાર છે.
ગત લોકસભા ચૂંટણીમાં ભાજપના ડો.કિરીટ પટેલ સામે કોંગ્રેસે રાજુ પરમારને મેદાનમાં ઉતાર્યા હતા
અમદાવાદ પશ્ચિમની જો વાત કરીએ તો ગત ચૂંટણીમાં ભાજપના ડો.કિરીટ સોલંકી સામે કોંગ્રેસે રાજુ પરમારને ટિકિટ આપી હતી. રાજુ પરમાર વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાં જતા રહ્યા. આ ચૂંટણીમાં ભાજપે અમદાવાદ પશ્ચિમ બેઠકથી દિનેશ મકવાણાને ટિકિટ આપી છે, જેની સામે કોંગ્રેસ ભરત મકવાણાને ટિકિટ આપી છે. ભરત મકવાણા માધવસિંહ સોલંકીની સરકારમાં બે વાર મંત્રી રહેલા શાંતાબેન મકવાણાના પુત્ર છે.