નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2024ના પરિણામો જાહેર થઈ ગયા છે. આ વખતે કોઈ પક્ષને બહુમતી મળી નથી. જો કે ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળના ગઠબંધન NDAને 292 બેઠકો પર જીત મળી છે. જેમાં જનતા દળ યુનાઇટેડ (JDU) અને તેલુગુ દેશમ પાર્ટી (TDP)ની 28 બેઠકો પણ સામેલ છે. જ્યારે ઈન્ડિયા એલાયન્સને 234 સીટો મળી છે. આવી સ્થિતિમાં હવે તમામની નજર NDAમાં રહેલા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને TDPના વડા ચંદ્રાબાબુ નાયડુ પર છે.
વાસ્તવમાં, ચૂંટણીમાં JDUને 12 અને TDPને 16 બેઠકો મળી છે. આ રીતે બંને પક્ષોએ કુલ 28 બેઠકો જીતી છે. વર્તમાન પરિસ્થિતિમાં આ બંને પક્ષોનું મહત્વ ઘણું વધી ગયું છે. આ સિવાય તમામનું ધ્યાન અપક્ષ અને નાના પક્ષોના 17 સાંસદો પર પણ રહેશે. આ સાંસદ ન તો એનડીએનો ભાગ છે કે ન તો ઈન્ડિયા બ્લોકનો. જો કે આ સાંસદો સરકારનું ભવિષ્ય પણ નક્કી કરી શકે છે.
કોણ છે આ સાંસદો?: આ સાંસદોમાં પૂર્ણિયાથી જીતેલા પપ્પુ યાદવ, નગીનાથી જીતેલા ચંદ્રશેખર આઝાદ, પંજાબના ફરીદકોટથી જીતેલા સબરજીત સિંહ ખાલસા, અમૃતપાલ સિંહ, દમણ અને દીવથી જીતેલા અપક્ષ ઉમેદવાર પટેલ ઉમેશભાઈ, સાંગલીથી વિશાલ પાટીલ અને બારામુલાથી જીતેલા એન્જિનિયર રાશિદનો સમાવેશ થાય છે.
નીતીશ-નાયડુ ભાજપ છોડે તો શું થશે?: આપને જણાવી દઈએ કે ભાજપને પોતાના બળ પર બહુમતી મળી નથી અને તે પોતાના સહયોગીઓની મદદથી બહુમતનો આંકડો પાર કરી રહી છે, પરંતુ સવાલ એ છે કે જો ચંદ્રાબાબુ નાયડુ અને નીતિશ કુમાર ભાજપ છોડી દે તો શું થશે?
લોકસભામાં કુલ 543 સીટો છે. જેમાંથી એકલા ભાજપ પાસે 240 બેઠકો છે. એનડીએ પાસે 294 બેઠકો સાથે બહુમતીનો આંકડો છે. એટલે કે એનડીએ પાસે બહુમતી કરતા 22 સાંસદો વધુ છે. આવામાં જો ચંદ્રાબાબુ નાયડુ ભાજપનો સાથ છોડે છે તો એનડીએની સંખ્યા ઘટીને 278 થઈ જશે, જે બહુમતીથી વધુ છે. તે જ સમયે, જો નીતીશ કુમાર પણ ભાજપથી અલગ થઈ જાય છે, તો એનડીએ પાસે માત્ર 266 સભ્યો રહી જશે, જે બહુમતીના આંકડા કરતા 6 ઓછા છે.
નાયડુ-નીતીશ વિના બની શકશે સરકાર: જો નીતીશ અને નાયડુ બંને ભાજપ છોડી દે તો એનડીએ બહુમતનો આંકડો પાર કરી શકશે નહીં. આવી સ્થિતિમાં ભાજપને 6 બેઠકોની જરૂર પડશે. તે નાના પક્ષો અથવા અપક્ષ સાંસદો સાથે સહયોગ કરીને આ બેઠકો ભરી શકે છે. ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીમાં કુલ સાત અપક્ષ સાંસદો જીત્યા છે. બાકીના સાંસદો નાના પક્ષોના છે, જે જરૂર પડ્યે ભાજપને સમર્થન આપી શકે છે.