બનાસકાંઠા : દેશભરમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે. ગુજરાતમાં પ્રથમ વખત બનાસકાંઠા જિલ્લામાં લોકસભા ચૂંટણીમાં મહિલા સામે મહિલા ઉમેદવારની ટક્કર છે. બનાસકાંઠા લોકસભા બેઠક ગુજરાતમાં મહત્વનું સ્થાન ધરાવે છે. સર્વ સમાજનું સંતુલન ધરાવતી આ બેઠકમાં શરુઆતથી પરિવર્તનની મોસમ રહી છે. જુઓ આપણી બનાસકાંઠા લોકસભા બેઠકની A to Z માહિતી ETV Bharat નો ખાસ અહેવાલ...
બનાસકાંઠા જિલ્લો : ભારત પાકિસ્તાનની બોર્ડર અને રાજસ્થાનને અડીને આવેલો બનાસકાંઠા જિલ્લો ગુજરાત રાજ્યની ઉત્તર-પૂર્વે આવેલો છે. માઉન્ટ આબુ અને અરવલ્લીની ગિરિમાળાની ખીણોમાંથી પસાર થતી બનાસ નદીના નામ પરથી આ જિલ્લાનું નામ રાખવામાં આવેલું છે. આ જિલ્લાનો વિસ્તાર 12703 ચોરસ કિમી છે. તેની ભૌગોલિક પરિસ્થિતિ ત્રણ ભાગમાં વહેંચાયેલી છે, જેમાં સરહદી વિસ્તાર, શહેરી વિસ્તાર અને આદિવાસી વિસ્તારનો સમાવેશ થાય છે.
સાત વિધાનસભા વિસ્તાર : બનાસકાંઠા જિલ્લામાં કુલ નવ વિધાનસભા બેઠક આવેલી છે. જે પૈકી વડગામ અને કાંકરેજ વિધાનસભા બેઠક પાટણ લોકસભા આવે છે. તેને બાદ કરતા બનાસકાંઠા લોકસભા વિસ્તારમાં વાવ, થરાદ, ધાનેરા, દાંતા, પાલનપુર, ડીસા અને દિયોદર એમ કુલ સાત વિધાનસભાનો સમાવેશ થાય છે.
- બનાસકાંઠા લોકસભા બેઠકનો રાજકીય ઇતિહાસ
સતત બદલાવું રાજકીય ચિત્ર : બનાસકાંઠા લોકસભા બેઠક વર્ષોથી કોંગ્રેસનો ગઢ ગણાતી આવી છે. પરંતુ વર્ષ 1998 બાદ છેલ્લી લોકસભા ચૂંટણીનું ગણિત જોઈએ તો 1998 માં ભાજપમાંથી હરિભાઈ ચૌધરી જીત્યા હતા. 2004 માં કોંગ્રેસના હરિસિંહ ચાવડા અને 2009 માં કોંગ્રેસમાંથી મુકેશ ગઢવી જીત્યા હતા. જોકે 2012 માં મુકેશ ગઢવીનું અવસાન થતા ફરીથી 2013 ની પેટા ચૂંટણીમાં ભાજપના હરિભાઈ ચૌધરીની જીત થઈ હતી. વર્ષ 2014 માં પણ હરિભાઈ ચૌધરીને જીત મળી હતી.
ભાજપનો દબદબો વધ્યો : 2019 લોકસભા ચૂંટણીમાં પરબત પટેલ કુલ 679,108 મેળવી ભાજપમાંથી જીત્યા હતા. તેમણે કુલ 61.62 ટકા મત મેળવીને 4.39 વોટ ટકાવારી વધારી હતી. ભાજપે 2012 ની પેટા ચૂંટણીથી જિલ્લામાં પકડ એકદમ મજબૂત બનાવી છે. જોકે 2014 થી મોદી લહેરના કારણે જિલ્લા વાસીઓની ભાજપ તરફી મતદાનની ટકાવારી વધી છે.
- બનાસકાંઠા લોકસભા બેઠકના મતદારો
ચૂંટણી પંચ દ્વારા 5 જાન્યુઆરીના રોજ પ્રસિદ્ધ થયેલી યાદી મુજબ બનાસકાંઠા લોકસભા મત વિસ્તારમાં કુલ મતદારોની સંખ્યા 19,53,287 છે. જેમાં 10,10,152 પુરુષ મતદાર, મહિલા મતદાર 9,43,118 તથા 17 અન્ય મતદારોનો સમાવેશ થાય છે.
તમામ સાત વિધાનસભા વિસ્તારના મતદારોની સંખ્યા જોઈએ તો વાવમાં 3,08,370 મતદાર, થરાદમાં 2,57,056 મતદાર, ધાનેરામાં 2,78,076 મતદાર, દાંતામાં 2,64,663 મતદાર, પાલનપુરમાં 2,88,550 મતદાર, ડીસામાં 2,97,472 મતદાર અને દિયોદરમાં 2,59,100 મતદારનો સમાવેશ થાય છે.
- બનાસકાંઠા બેઠક પર પ્રથમવાર મહિલા vs મહિલા
ભાજપ ઉમેદવાર ડો. રેખાબેન ચૌધરી :
ભાજપે ઉમેદવારોની પ્રથમ યાદીમાં જ બનાસકાંઠા લોકસભા બેઠકના ઉમેદવારની જાહેરાત કરવામાં આવી હતી. ભાજપે શિક્ષિત ઉમેદવાર તરીકે ડો. રેખાબેન ચૌધરીને મેદાને ઉતાર્યા છે. તેમણે M.Sc., M.Phil., Ph.D. (Mathematics) સુધીનો અભ્યાસ કર્યો છે તથા છેલ્લા 20 વર્ષથી એન્જિનિયરિંગ કોલેજમાં પ્રાધ્યાપક તરીકે સેવા આપી રહ્યા છે. ડો. રેખાબેન બનાસડેરીના આદ્યસ્થાપક સ્વ. ગલબાભાઈ પટેલના પૌત્રી છે. ગલબાભાઈ પટેલનો બનાસકાંઠા જિલ્લામાં શ્વેત ક્રાંતિ લાવવામાં મહત્વનો ફાળો છે. ડો. રેખાબેનના પતિ હિતેશ ચૌધરી ભાજપમાં વિવિધ મહત્વના હોદ્દા પર જવાબદારી નિભાવી રહ્યા છે.
કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર :
કોંગ્રેસ પક્ષે બનાસકાંઠા લોકસભા બેઠક માટે આ વખતે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને ટિકિટ આપી છે. ગેનીબેને B. A. સુધીનો અભ્યાસ કર્યો છે. વાવમાં સતત બે ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ રહેલા ગેનીબેને શંકર ચૌધરીને 2017 માં હરાવ્યા હતા. ગેનીબેન વાવ પંથક સહિત સરહદી વિસ્તારમાં પકડ ધરાવે છે. લોક પ્રશ્નોને ખુલીને વાચા આપતા ગેનીબેન ઠાકોર જમીનથી જોડાયેલા નેતા તરીકેની ઓળખ ધરાવે છે.
- બનાસકાંઠા લોકસભા બેઠકનું જ્ઞાતિ-જાતીનું સમીકરણ
બે સમાજનું પ્રભુત્વ : બનાસકાંઠા જિલ્લાના જ્ઞાતિગત સમીકરણની વાત કરવામાં આવે તો અહીં ઠાકોર, ચૌધરી, આદિવાસી, દલિત, રબારી, ક્ષત્રિય, મુસ્લિમ, બ્રાહ્મણ, પ્રજાપતિ, માળી અને પાટીદાર સહિતના સમાજની વોટ બેંક છે.
સર્વ સમાજનો સમન્વય : જેમાં ચૌધરી અને ઠાકોર સમાજનું પ્રભુત્વ રહ્યું છે. ચૌધરી સમાજ અંદાજિત 2.71 લાખ મતદારો ધરાવે છે. તો ઠાકોર સમાજના મતદારોની સંખ્યા 3.43 લાખ જેટલી છે. આદિવાસી સમાજ પણ 1.72 લાખ જેટલા મતદારો ધરાવે છે. જ્યારે અન્ય સમાજ કુલ 3.69 લાખ જેટલાં મતદારો ધરાવે છે. સાથે વિવિધ સમજો
અન્ય સમાજની ભૂમિકા : જેમાં રબારી સમાજના 1.58 લાખ, ક્ષત્રિય સમાજના 1.38. લાખ, મુસ્લિમ સમાજના 96 હજાર, બ્રાહ્મણ સમાજના 95 હજાર, પ્રજાપતિ સમાજના 69 હજાર, માળી સમાજના 48 હજાર અને પાટીદાર સમાજના 39 હજાર મતદારો નોંધાયા છે. જિલ્લામાં સૌથી વધુ મતદારો ધરાવતા બે સમાજના ઉમેદવાર આમને સામને મેદાને ઉતર્યા છે. જોકે આ ચૂંટણીમાં બંને પક્ષના ઉમેદવાર તમામ સમાજના મતદારોને રીઝવવાનો પ્રયાસ કરશે.
- કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવામાં ભાજપ સફળ
બનાસકાંઠા જિલ્લામાં પક્ષ પલટાની મોસમ ચાલુ છે, જેમાં પૂર્વ ધારાસભ્યો સહિત કોંગ્રેસ પક્ષના મોટા નેતાઓએ પક્ષ જોડેથી છેડો ફાડ્યો છે. કોંગ્રેસના દિગ્ગજ ગણાતા નેતા અને આગેવાનો કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા છે. ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઇ, ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ, પાલનપુરના પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ પટેલ સહિતના નેતા અને આગેવાનો પોતાના કાર્યકરો સાથે ભાજપમાં જોડાઈ ગયા છે. થરાદથી 2017 માં વિધાનસભા ચૂંટણી લડેલા અને રાજપૂત સમાજના અગ્રણી ડી. ડી. રાજપુત પણ પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે.
- અન્ય સમાજને સાધશે, એ જ બાજી મારશે...
બનાસકાંઠા લોકસભા બેઠક પર પ્રથમવાર મહિલા ઉમેદવારો ચૂંટણીના મેદાને ઉતર્યા છે. અહીં ચૌધરી અને ઠાકોર સમાજના પ્રભુત્વ સાથે અન્ય સમાજની નિર્ણાયક ભૂમિકા રહી છે. જેના કારણે આ બેઠક પર સતત સત્તા પરિવર્તન થયું છે. જોકે આ વખતે બંને સમાજના ઉમેદવાર આમને સામને છે. ત્યારે પોતાના સમાજના સમર્થન સાથે અન્ય સમાજને પણ કયો ઉમેદવાર સાધશે અને લોકસભા ચૂંટણી 2024 માં બાજી મારશે તે જોવું રહ્યું...