બનાસકાંઠા: કોંગ્રેસ પાર્ટીએ લોકસભા ચૂંટણી 2024 માટે પોતાની બીજી યાદી જાહેર કરી છે. જેમાં 43 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસે વાવના ધારાસભ્ય અને ફાયરબ્રાંડ મહિલા તરીકે જાણીતા ગેનીબેન ઠાકોરના નામ પર મોહર લગાવી છે. વાવમાં સતત બે ટર્મથી ધારાસભ્ય તરીકે ચુંટાઈ આવતા ગેનીબેનને ટિકિટ આપતા સમગ્ર વાવ પંથકમાં અને ઠાકોર સમાજ ખુશીની લાગણી અનુભવી રહ્યા છે. લોક પ્રશ્નને ખુલીને વાચા આપતા લોક ચાહના ધરાવતા ગેનીબેનને ટિકિટ આપતા આ વખતે જિલ્લામાં રસાકસીનો જંગ જામશે.
જિલ્લામાં સૌ પ્રથમ વખત મહિલા vs મહિલાનો જંગ જામશે:
ભાજપે પહેલેથી જ ઉમેદવાર તરીકે ડો. રેખાબેન ચૌધરીની નામની જાહેરાત કરી હતી. ત્યારે લોકોની અપેક્ષા મુજબ ગેનીબેનને ટિકિટ મળતા ઈતિહાસમાં પ્રથમ વખત મહિલા સામે મહિલાનો જંગ જામશે. એક તરફ ડૉ. રેખાબેન ચૌધરી પ્રથમ વખત ચુંટણી લડી રહ્યા છે. જેમના દાદા સ્વર્ગસ્થ ગલબાભાઈ નાનજીભાઈ પટેલ બનાસ ડેરીના સ્થાપક છે. અને પરિવાર પહેલેથી જ રાજકારણ જોડે જોડાયેલો છે. જ્યારે ગેની બેનને ત્રણ વખત ધારાસભ્ય ઉમેદવાર તરીકે ટિકિટ મળી હતી. જેમાં 2012માં શંકર ચૌધરી વિરૂદ્ધ હાર થઈ હતી. ત્યારબાદ બે વખત વાવ વિધાનસભાના ધારાસભ્ય તરીકે ચુંટાઈને આવ્યા હતા. જેમાં અત્યારના વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને 2017માં હરાવીને પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતાં. સતત બીજા ટર્મમાં પણ ધારાસભ્ય તરીકે ચુંટાયા હતા. ત્યારે આ વખતે રસાકસીનો જંગ જામશે તેમ લાગી રહ્યું છે.
કોણ છે રેખાબેન ચૌધરી ?
રેખાબેન ચૌધરી પાલનપુરના રહેવાસી છે. ડો. રેખાબેન ચૌધરી બનાસડેરીના સ્થાપક સ્વ ગલબાભાઈ પટેલની પૌત્રી છે. તેઓ ભાજપના સક્રિય કાર્યકર અને મોરબી જિલ્લાના પ્રભારી હિતેશ ચૌધરીના ધર્મ પત્ની છે. તેમણે એમએસસી, એમફિલ અને મેથેમેટિક્સમાં પીએચડીનો અભ્યાસ કર્યો છે. તેઓ એન્જિનિયરિંગ કોલેજમાં અધ્યાપક તરીકે સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત તેમણે બનાસકાંઠા જિલ્લા ભાજપના મહામંત્રી, યુવા મોર્ચામાં ત્રણ ટર્મ સુધી પ્રદેશ તેમજ રાષ્ટ્રીયકક્ષાએ વિવિધ જવાબદારીઓ નિભાવી છે. તેઓ મહિલા સશક્તિકરણના કાર્યોમાં સતત સક્રિય જોવા મળે છે. બનાસકાંઠા બેઠક પર ઠાકોર સમાજ બાદ ચૌધરી સમાજનો દબદબો વધુ જોવા મળે છે. તે જોતા ભાજપ દ્વારા તેમની પસંદગી કરાઈ છે.
કોંગ્રેસ દ્વારા 'બનાસની બેન ગેનીબેન' કેમ્પેઈન: બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપે ઉમેદવાર તરીકે ડો. રેખાબેન ચૌધરીની નામની જાહેરાત કર્યા બાદ કોંગ્રેસના ગેનીબેન ઠાકોરનું નામ સતત ચર્ચાતું રહ્યું હતું. કોંગ્રસે દ્વારા બનાસની બેન ગેનીબેન કરીને કેમ્પેઈન પણ ચલાવવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા બેઠક પર ઠાકોર સમાજનો સૌથી વધુ દબદબો વધુ જોવા મળે છે. બનાસકાંઠા જિલ્લો સૌથી વધુ પશુપાલન અને ડેરી ક્ષેત્રે મહત્વનો માનવામાં આવે છે. અને મોટા ભાગે મહિલાઓ આ વ્યવસાય સાથે સંકળાયેલી હોય છે. ત્યારે આ બેઠક પર પણ મહિલાઓના પ્રશ્નોને વાચા આપતી બે દમદાર મહિલાઓની પસંદગી કરવામાં આવી છે. ત્યારે આ બેઠક પર કઈ મહિલા મેદાને મારશે તે આગામી સમયમાં જોવું રહ્યું...