અમરેલી: ભાજપ દ્વારા આજે લોકસભાની સામાન્ય ચૂંટણીને લઈને ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં અમરેલી લોકસભા બેઠક પરથી વર્તમાન સાંસદ નારણ કાછડીયાના સ્થાને જિલ્લા પંચાયતના પ્રમુખ ભરત સુતરીયાને ઉમેદવાર બનાવ્યા છે. ભાજપ માટે અમરેલી લોકસભા બેઠક પર ઉમેદવાર પસંદ કરવાને લઈને ખૂબ જ વિકટભરી સ્થિતિ બની હતી. તેની વચ્ચે જિલ્લા પંચાયતના વર્તમાન પ્રમુખ ભરત સુતરીયાને લોટરી લાગી છે. પાર્ટી એ તેમના પર ભરોસો વ્યક્ત કરીને તેમને અમરેલી લોકસભા બેઠક માટે ઉમેદવાર બનાવ્યા છે.
કોણ છે ભરત સુતરીયા:
ભાજપે ભરત સુતરીયાને અમરેલી લોકસભા બેઠક પર ઉમેદવાર બનાવ્યા છે. તેઓ ધોરણ 10 પાસ સુધીનો અભ્યાસ ધરાવે છે અને વર્તમાન સમયમાં તેઓ ખેતી સાથે સંકળાયેલા છે. મૂળ લાઠી તાલુકાના જરખીયા ગામના વતની ભરતભાઈ સુતરીયાનો જન્મ 17 સપ્ટેમ્બર 1971ના દિવસે થયો હતો. હાલ તેઓ અમરેલી જિલ્લા પંચાયતની 24 મતીરાળા સીટના સદસ્ય તરીકે ચૂંટણી જીતીને જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે કામ કરી રહ્યા છે. ભરત સુતરીયા વર્ષ 1991થી ભાજપના સક્રિય કાર્યકર્તા તરીકે જોડાયા હતા. 2010 થી 2015 સુધી લાઠી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે સેવાઓ આપી હતી.
નારણ કાછડીયા ત્રણ વખત સાંસદ રહ્યા:
અમરેલી લોકસભા બેઠકનું સંસદમાં વર્ષ 2009 થી લઈને 2024 સુધી પ્રતિનિધિત્વ કરી ચૂકેલા નારણ કાછડીયા પાછલી લોકસભાની ત્રણેય ચૂંટણીઓ જીતવામાં સફળ રહ્યા છે. 2009માં તેમણે કોંગ્રેસના નીલાબેન ઠુમરને પરાજય આપ્યો હતો. તો 2014માં કોંગ્રેસના વીરજી ઠુંમરને હરાવીને ચૂંટણી જીતવામાં સફળ રહ્યા હતા. તો વર્ષ 2019 માં અમરેલી લોકસભા બેઠક પરથી કોંગ્રેસના પરેશ ધાનાણી સામે નારણ કાછડીયાનો વિજય થયો હતો. તેમ છતાં ભાજપે તેની ટિકિટ કાપીને નવા ઉમેદવાર ભરત સુતરીયાને પસંદ કર્યા છે. વર્ષ 2009માં જ્યારે નારણભાઈ કાછડીયાને લોકસભાના ઉમેદવાર તરીકે પસંદ કરાયા હતા ત્યારે તેઓ પણ અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ પદે કાર્યરત હતા ત્યારે 15 વર્ષ બાદ ફરી એક વખત ભાજપે જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપર ભરોસો વ્યક્ત કરીને તેને લોકસભાની ચૂંટણીના જંગમાં ઉતાર્યા છે.
જેની ઠુંમર સામે થશે સામનો: અમરેલી બેઠક પર ભાજપ ઉમેદવાર ભરત સુતરિયાની સામે જેની ઠુંમર ચૂંટણી લડી રહ્યા છે. જેની ઠુમરે રાજકીય સફરની શરૂઆત બાબરા તાલુકાની મોટા દેવળીયા જિલ્લા પંચાયત સીટ પરથી વર્ષ 2015માં પ્રથમ વખત ચૂંટણી લડીને જીતવાની સાથે રાજકારણની શરૂઆત કરી હતી. પ્રથમ વખત જિલ્લા પંચાયતના સભ્ય બનવાની સાથે જેની ઠુંમરના હાથમાં અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખનું પદ પણ આવ્યું હતું. અઢી વર્ષ સુધી મહિલા પ્રમુખ તરીકે જેની ઠુમરે અમરેલી જિલ્લા પંચાયતનો વહીવટ પણ સંભાળ્યો છે. વારસામાં મળેલા રાજકારણને કારણે જેની ઠુંમર આજે રાજકીય રીતે એક પરિપકવ નેતા તરીકે અમરેલી અને સમગ્ર ગુજરાત કોંગ્રેસમાં સારી નામના ધરાવે છે.
જેની ઠુંમરનો જન્મ 23 એપ્રિલ 1984ના દિવસે અમરેલીમાં થયો હતો. જેની ઠુંમર લંડનની મિડલસેક્સ યુનિવર્સિટીમાંથી માનવ સંસાધન વ્યવસ્થાપનમાં એમબીએની પદવી ધરાવે છે. લેટન કોલેજ લંડન માંથી જેનીએ યુકે માનવ સંસાધન વ્યવસ્થાપનમાં ડિપ્લોમા ફોર્સ કોલેજ લંડન યુકે માંથી કોમ્પ્યુટર સાયન્સમાં અને નિરમા યુનિવર્સિટી માંથી કોમ્પ્યુટર સાયન્સમાં સ્નાતક બન્યા બાદ બે વર્ષ સુધી ફ્લોરિડાની એટલાન્ટિક યુનિવર્સિટીમાં પણ અભ્યાસ કર્યો છે. વર્ષ 2009માં તેમના પિતા વિરજીભાઈ ઠુંમર અમરેલી લોકસભાની ચૂંટણી લડતા હતા ત્યારે તેમણે કરેલો વ્યવસ્થાપનનો અભ્યાસ ચૂંટણીના વ્યવસ્થાપનની સંપૂર્ણ જવાબદારી નિભાવવાની સાથે જેની ઠુંમરે વર્ષ 2009માં મોટાભાગની રાજકીય ગતિવિધિઓમાં પોતે સ્વયં આગળ પડતો ભાગ લઈને તેના પિતા વિરજી ઠુંમરના રાજકીય વારસાને આગળ ધપાવવામાં સતત પ્રયત્નશીલ રહ્યા છે.