અમેરિકા : અમેરિકાના ઇતિહાસમાં કેટલીક એવી ઘટનાઓ બની, જેણે દેશને હચમચાવી નાખ્યો. તેમાં સૌથી અગ્રણી છે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જોન એફ. કેનેડી, તેમના ભાઈ રોબર્ટ એફ. કેનેડી અને નાગરિક અધિકારના નેતા માર્ટિન લ્યુથર કિંગ જુનિયરની હત્યા.
અમેરિકાના ઘેરા રહસ્યો ખુલશે : અમેરિકાના ઇતિહાસમાં ખૂબ ચર્ચાયેલ આ હત્યાઓ વિશે દાયકાઓથી ઘણા ષડયંત્ર સિદ્ધાંતો ઘડાતા રહ્યા છે, પરંતુ હવે તેમને ખુલ્લા પાડવાની દિશામાં એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ ઘટનાઓથી સંબંધિત ગોપનીય દસ્તાવેજોને સાર્વજનિક કરવાની મંજૂરી આપી છે, જે વર્ષોથી લોકોની નજરથી દૂર હતા. આ નિર્ણય આ હત્યાઓ અંગે ચાલી રહેલી અટકળો અને કાવતરાને શાંત કરવામાં મદદ કરી શકે છે.
ગુપ્ત ફાઈલો સાર્વજનિક કરવા આપી મંજૂરી : આ મહત્વપૂર્ણ જાહેરાત સાથે રાષ્ટ્રપતિ ટ્રમ્પે રોબર્ટ એફ. કેનેડી જુનિયરને પણ સન્માનિત કર્યા. આ દસ્તાવેજોને સાર્વજનિક કરવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા પછી રાષ્ટ્રપતિ ટ્રમ્પે તે પેન રોબર્ટ એફ. કેનેડી જુનિયરને સોંપવાનો આદેશ આપ્યો. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે રોબર્ટ જુનિયરને તેમની સરકારમાં સ્વાસ્થ્ય મંત્રી તરીકે નિયુક્ત કર્યા છે. આ પગલું એ હત્યાઓ સાથે સંબંધિત માહિતી જાહેર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે, જે દાયકાઓ સુધી લોકોની નજરથી છુપાયેલા હતા.
અમેરિકન ઇતિહાસની સૌથી રહસ્યમય ઘટનાઓ...
જ્હોન એફ. કેનેડી, રોબર્ટ એફ. કેનેડી અને માર્ટિન લ્યુથર કિંગ જુનિયરની હત્યા અમેરિકન ઇતિહાસની સૌથી રહસ્યમય ઘટનાઓમાં ગણવામાં આવે છે. આ ઘટનાઓ અંગે ઘણી ષડયંત્રની થિયરીઓ બહાર આવી છે અને આ સિદ્ધાંતોએ આ કેસને લગતા સરકારી દસ્તાવેજોને સાર્વજનિક કરવાની માંગને વેગ આપ્યો છે. હવે રાષ્ટ્રપતિ ટ્રમ્પના આદેશ બાદ આ ગોપનીય દસ્તાવેજો જાહેર કરવામાં આવશે. દસ્તાવેજોને સાર્વજનિક કરવાના આદેશ પર હસ્તાક્ષર કરતાં ટ્રમ્પે કહ્યું, "ઘણા લોકો દાયકાઓથી આ દસ્તાવેજોની રાહ જોઈ રહ્યા છે."
- કેનેડી હત્યા : રહસ્યમય કાવતરામાં સામેલ ગુપ્ત શક્તિ કઈ ?
યુનાઇટેડ સ્ટેટ્સના 35 મા રાષ્ટ્રપતિ જ્હોન એફ. કેનેડીની 22 નવેમ્બર, 1963 ના રોજ ડલ્લાસ, ટેક્સાસમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યા બાદ ઘણી થિયરીઓ સામે આવી છે, જે કહે છે કે આ હત્યા પાછળ ઘણી ગુપ્ત શક્તિઓ સામેલ હતી. કેનેડીની હત્યા બાદથી આ મુદ્દો માત્ર અમેરિકામાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બન્યો છે. અનેક સરકારી અને સ્વતંત્ર તપાસ છતાં આ હત્યા અંગે સવાલો ઉભા થયા છે કે શું આ એક જ વ્યક્તિનું કાવતરું હતું કે પછી તેની પાછળ કોઈ મોટું કાવતરું હતું.
- માર્ટિન લ્યુથર કિંગ જુનિયરની હત્યા અને સામાજિક ન્યાય માટે સંઘર્ષ
અમેરિકામાં નાગરિક અધિકાર ચળવળના અગ્રણી નેતા માર્ટિન લ્યુથર કિંગ જુનિયરની એપ્રિલ 1968માં મેમ્ફિસ, ટેનેસીમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. કિંગની હત્યાએ અમેરિકા અને સમગ્ર વિશ્વમાં સામાજિક ન્યાય અને વંશીય સમાનતા માટેની લડાઈને વધુ વેગ આપ્યો. તેમની હત્યાએ માત્ર નાગરિક અધિકાર ચળવળને જ ઊંડો ફટકો ન આપ્યો, પરંતુ સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું.
- રોબર્ટ એફ. કેનેડીની હત્યા : એક રાજકીય દુર્ઘટના
વર્ષ 1968માં જ જ્હોન એફ. કેનેડીના નાના ભાઈ અને અગ્રણી અમેરિકન રાજકારણી રોબર્ટ એફ. કેનેડીની પણ હત્યા કરવામાં આવી હતી. કેલિફોર્નિયામાં એક ચૂંટણી રેલી દરમિયાન તેને ગોળી મારવામાં આવી હતી. રોબર્ટ એફ. કેનેડી ડેમોક્રેટિક પ્રાઈમરી જીત્યા અને પ્રમુખપદના ઉમેદવાર હતા. તેમની હત્યા અમેરિકન રાજકારણ અને સામાજિક ચળવળોમાં પણ એક મહત્વપૂર્ણ ઘટના હતી.