નવી દિલ્હી : અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે કહ્યું કે, ભારત એક 'મહત્વપૂર્ણ' પ્રાદેશિક અને આર્થિક શક્તિ છે. તાલિબાનની આ ટિપ્પણી વિદેશ સચિવ વિક્રમ મિસરી અને અફઘાનિસ્તાનના કાર્યવાહક વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકી વચ્ચે 8 જાન્યુઆરી, બુધવારે દુબઈમાં થયેલી વાતચીત બાદ આવી છે.
ભારત અને તાલિબાની અફઘાનિસ્તાન સરકાર વચ્ચે બેઠક : ઓગસ્ટ 2021 માં અફઘાનિસ્તાનમાં તાલિબાન દ્વારા સત્તા સંભાળ્યા પછી ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે પ્રથમ જાહેર ઉચ્ચસ્તરીય બેઠક યોજાયી હતી. જેમાં ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસરી અને અફઘાનિસ્તાનના કાર્યવાહક વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકીએ વિવિધ મુદ્દાઓ વિશે વાત કરી હતી.
Foreign Secy @VikramMisri met Acting Foreign Minister of Afghanistan Mawlawi Amir Khan Muttaqi in Dubai today.
— Randhir Jaiswal (@MEAIndia) January 8, 2025
Both sides discussed 🇮🇳's ongoing humanitarian assistance to Afghanistan, bilateral issues and security situation in the region. India reiterated its commitment to… pic.twitter.com/a3UyuIqkAG
મુત્તાકીએ ભારતનો આભાર વ્યક્ત કર્યો : અફઘાનિસ્તાનના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, મુત્તાકીએ 'માનવતાવાદી સહાય માટે ભારતનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે અમારી સંતુલિત અને અર્થતંત્ર-કેન્દ્રિત વિદેશ નીતિના ભાગરૂપે અમે ભારત સાથે રાજકીય અને આર્થિક સંબંધોને મજબૂત કરવા માંગીએ છીએ.
અફઘાનિસ્તાનના વિદેશ મંત્રાલયે નિવેદનમાં જણાવ્યું કે, વિદેશ મંત્રીએ ભારતીય પક્ષને ખાતરી આપી કે અફઘાનિસ્તાનથી તેને કોઈ ખતરો નથી. સાથે જ આશા વ્યક્ત કરી કે ભારત રાજદ્વારી સંબંધોને પ્રોત્સાહન આપવા માટે તેના વેપારીઓ, દર્દીઓ અને વિદ્યાર્થીઓને વિઝાની સુવિધા આપશે.
વિકાસ કાર્યોમાં જોડાવા પર વિચાર કરશે ભારત :
ભારતના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, બેઠકમાં ભારતીય પક્ષે જણાવ્યું કે, નવી દિલ્હી અફઘાનિસ્તાનમાં વિકાસ પ્રોજેક્ટ્સમાં સામેલ થવા અને આરોગ્ય ક્ષેત્રમાં દેશને વધારાની સામગ્રી સહાય પૂરી પાડવા અંગે વિચારણા કરશે.
અફઘાનિસ્તાનના વાણિજ્ય અને પરિવહન મંત્રાલયોના પ્રતિનિધિઓએ પણ બેઠકમાં ભાગ લીધો અને બંને દેશો વચ્ચે રાજકીય, આર્થિક અને લોકો વચ્ચેના સંબંધોને વેગ આપવાના પગલાં પર વ્યાપક ચર્ચાઓ કરવામાં આવી હતી.