મુંબઇ : બોલિવૂડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા આજે તેનો 49મો જન્મદિવસ ઉજવી રહી છે. આ અવસર પર ચાલો જાણીએ તેમના અંગત અને વ્યાવસાયિક જીવન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો...
નીડર અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા : કલ હો ના હો, કભી અલવિદા ના કહેના, કોઈ મિલ ગયા, વીર ઝરા, સલામ નમસ્તે જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી બોલીવુડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા આજે પોતાનો 49મો જન્મદિવસ ઉજવી રહી છે. ફિલ્મોમાં પોતાના સશક્ત અને નીડર પાત્રોથી દર્શકોનું દિલ જીતનાર પ્રીતિ વાસ્તવિક જીવનમાં પણ બિલકુલ આવી જ છે. તેના જીવનમાં એક એવો સમય આવ્યો જ્યારે તે અંડરવર્લ્ડનો સામનો કરવામાં ખચકાઇ ન હતી. જ્યાં ઈન્ડસ્ટ્રીના મોટા હીરો પણ પીછેહઠ કરતા હતા ત્યાં પ્રીતિએ એકલી ઊભી રહીને તેમનો સામનો કર્યો અને અડગ રહી.
એક્ટિંગ છોડી અને IPLમાંથી કમાણી કરી : વર્ષ 2008માં પ્રીતિ IPL ટીમ પંજાબ કિંગ્સ ટીમની માલિક બની હતી. પ્રીતિએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, 'મને હંમેશા બિઝનેસમાં રસ હતો, હું ઘણા પૈસા કમાવવા માંગતી હતી, તેથી મેં વિચાર્યું કે ચાલો તેમાં મારો હાથ અજમાવી જોઉં. હું આભારી છું કે હું આમાં સફળ રહી છું. હું જાણું છું કે અભિનેતાઓ પણ કમાણી કરે છે પરંતુ હું આખી જિંદગી નાણાકીય સ્થિરતા ઈચ્છું છું. એટલા માટે મેં એક્ટિંગ છોડીને IPLમાં જોડાવાનું યોગ્ય માન્યું.
અંડરવર્લ્ડનો પણ સામનો કર્યો : ચોરી ચોરી ચુપકે ચુપકે ફિલ્મના શૂટિંગ દરમિયાન જ્યારે પ્રીતિને ખબર પડી કે આ ફિલ્મમાં અંડરવર્લ્ડના પૈસાનું રોકાણ કરવામાં આવ્યું છે, ત્યારે તે ડર્યા વગર તેની સામે ઉભી થઈ અને કોર્ટમાં ગઈ. તેણે મેકર્સ વિરુદ્ધ નિવેદન પણ આપ્યું હતું, જે બાદ તેને ઘણી ધમકીઓ મળી હતી. એક ઈન્ટરવ્યુ દરમિયાન પ્રીતિએ આ ફિલ્મના સમયને તેના જીવનનો સૌથી મુશ્કેલ સમય પણ ગણાવ્યો હતો.
આગામી ફિલ્મથી કમબેક : રિપોર્ટ્સ અનુસાર પ્રીતિ ઝિન્ટા મોટા પડદા પર કમબેક કરવા જઈ રહી છે. આગામી સમયમાં તે સની દેઓલ સાથે લાહોર 1947 મૂવીમાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન રાજકુમાર સંતોષી કરી રહ્યા છે.