મુંબઈ : બોલિવૂડ એક્ટર ગોવિંદાએ તાજેતરમાં જ અકસ્માતે પોતાના પગમાં ગોળી મારી દીધી હતી, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સર્જરી કર્યા બાદ હવે ગોવિંદાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં ગોવિંદા વ્હીલચેર પર બેઠેલા જોઈ શકાય છે.
શું બન્યું એ દિવસે ? તમને જણાવી દઈએ કે, 1 ઓક્ટોબરના રોજ ગોવિંદાએ ભૂલથી પોતાની રિવોલ્વરમાંથી ગોળી ચલાવી હતી, જેના કારણે તેમને પગમાં ઈજા થઈ હતી. આ ઘટના સવારે 4:45 વાગ્યે બની જ્યારે તે શહેર છોડતા પહેલા બંદૂકની તપાસ કરી રહ્યા હતા. અભિનેતાને મુંબઈની ક્રિટિકેયર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ગોવિંદાની હાલત સ્થિર : ગોવિંદાના મેનેજર શશિ સિન્હાએ ANI ને જણાવ્યું હતું કે, ગોવિંદા કોલકાતા જવા માટે તૈયાર થઈ રહ્યા હતા. પોતાની લાઈસન્સવાળી રિવોલ્વર તેના કેસમાં સુરક્ષિત કરવાનો પ્રયાસ કરતી વખતે ગોવિંદાના હાથમાંથી રિવોલ્વર પડી ગઈ હતી. બંદૂકમાંથી નીકળી અને તેમને પગમાં ગોળી વાગી હતી. સિંહાએ પુષ્ટિ કરી કે, ડૉક્ટરે ગોળી કાઢી નાખી છે અને ગોવિંદાની હાલત સ્થિર છે.
પોલીસે નિવેદન નોંધ્યું : આ ઘટના પછી ગોવિંદાએ ખુદ એક અંગત નોંધ જાહેર કરી ચાહકો સાથે સ્વાસ્થ્ય અપડેટ શેર કરી હતી. જેમાં તેમણે લોકો તરફથી મળેલા સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. અહેવાલો અનુસાર ગોવિંદાએ પોલીસને કહ્યું કે, જ્યારે તેઓ રિવોલ્વર સાફ કરી રહ્યા હતા, ત્યારે તે લોક નહોતી તેના કારણે ગોળી અકસ્માતે વાગી હતી. ગોવિંદાએ જણાવ્યું કે, રિવોલ્વર 20 વર્ષ જૂની હતી.
ટીના આહુજાની પણ પૂછપરછ : વધુમાં જાણવા મળ્યું છે કે, ગોવિંદાની પુત્રી ટીના આહુજાની પણ પોલીસે પૂછપરછ કરી અને તેમનું નિવેદન નોંધ્યું છે. તપાસ હજુ ચાલી રહી છે. ડેવિડ ધવન, રવિના ટંડન અને શત્રુઘ્ન સિંહા જેવી ઘણી બોલિવૂડ સેલિબ્રિટી ગોવિંદાને મળવા હોસ્પિટલમાં આવ્યા હતા. થોડા સમય પહેલા જ હોસ્પિટલની બહાર ગોવિંદાની પત્ની સુનીતા આહુજાએ કહ્યું હતું કે, તેઓ ગોવિંદાને ટૂંક સમયમાં ઘરે લઈ જશે. ગોવિંદા હવે પહેલા કરતા સાજા છે, જોકે પગની ઈજાને કારણે તે ચાલી શકશે નહીં.