મુંબઈ : આજે 18 મે, શનિવારના રોજ ડિઝાસ્ટર રિકવરી સાઇટના પરીક્ષણ માટે ભારતીય શેરબજારમાં સ્પેશિયલ લાઈવ ટ્રેડિંગ સેશન થયું હતું. આજે શેરબજાર સપાટ ખુલ્યું હતું, મુખ્ય સૂચકાંક BSE Sensex 73,921 ના મથાળે ગ્રીન ઝોનમાં ખુલ્યો હતો, શરુઆતી કારોબારમાં જ સેન્સેક્સ 74,000 પાર થયો હતો. જ્યારે NSE Nifty પણ 46 પોઈન્ટ વધીને 22,512 ના મથાળે ગ્રીન ઝોનમાં સપાટ ખુલ્યો હતો.
શેરબજારની સુસ્ત શરૂઆત : 18 મે, શનિવારે રોજ BSE Sensex ગત 73,917 બંધ સામે 4 પોઈન્ટના વધારા સાથે 73,921 ના મથાળે સપાટ ખુલ્યો હતો. જ્યારે NSE Nifty ગત 22,466 બંધની સામે 46 પોઇન્ટ વધીને 22,512 ના મથાળે ખુલ્યો હતો. Sensex માં 74,162 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. જ્યારે Nifty માં સુસ્ત કારોબાર થઈ રહ્યો છે.
સ્ટોકની સ્થિતિ : ભારતીય શેરબજારમાં ફાર્મા, મીડિયા, ઓટો, રિયલ્ટી ઇન્ડેક્સમાં સારી વૃદ્ધિ જોવા મળી રહી છે. નિફ્ટીમાં લિસ્ટેડ કંપનીઓમાં ONGC, પાવર ગ્રીડ, એશિયન પેઇન્ટ જેવા સ્ટોક્સ ટોપ ગેઇનર રહ્યા હતા. જ્યારે JSW સ્ટીલ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને ટાટા મોટર્સ ટોપ લૂઝર્સમાં સામેલ છે.
સ્પેશિયલ લાઈવ ટ્રેડિંગ સેશન : આજે 18 મે, શનિવારે ડિઝાસ્ટર રિકવરી સાઇટના પરીક્ષણ માટે બજાર ખુલ્યું છે. જેમાં NSE અને BSE દ્વારા ડિઝાસ્ટર રિકવરી સાઇટનું પરીક્ષણ કરવામાં આવશે, જેના કારણે બજાર 2 સેશનમાં ખુલશે. પ્રથમ સેશન પ્રાઇમરી સાઇટ પર સવારે 9.15 થી 10 વાગ્યા વચ્ચે યોજાશે, જેમાં તમે લાઇવ ટ્રેડિંગ કરી શકશો. બીજુ સેશન ડિઝાસ્ટર સાઈટ પર સ્વિચ ઓવર કરવામાં આવશે, જેનો સમય 11:30 AM થી 12:30 PM વચ્ચે હશે. જેમાં કેસ અને F&O સેગમેન્ટમાં ટ્રેડિંગ થશે. આ સિવાય તમામ શેરમાં 5%ની સર્કિટ લિમિટ હશે.
સોમવારે શેરબજારમાં રજા : આવતા સપ્તાહના પ્રથમ દિવસ એટલે કે 20 મે, સોમવારના રોજ નેશનલ સ્ટોક એક્સચેન્જ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ બંને બંધ રહેશે. લોકસભા ચૂંટણી 2024 પાંચમા તબક્કા માટે 20 મે, સોમવારના રોજ મતદાન થવાનું છે, જેના કારણે શેરબજાર બંધ રહેશે. ઉપરાંત MCX પર પણ કોઈ કોમોડિટી ટ્રેડિંગ થશે નહીં.