નવી દિલ્હી : Apple Inc દ્વારા તેના નવા મુખ્ય નાણાકીય અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. જેમાં ભારતીય મૂળના કેવન પારેખને નવા મુખ્ય નાણાકીય અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કેવન પારેખને વાર્ષિક 1 મિલિયન ડોલરનો (8.57 કરોડ રૂપિયા) પગાર મળશે.
એપલના મુખ્ય નાણાકીય અધિકારી : જૂન 2013માં Apple કંપનીમાં જોડાનાર કેવન પારેખ અગાઉ ફાઇનાન્સિયલ પ્લાનિંગ અને એનાલિસિસના વાઇસ પ્રેસિડેન્ટ અને સેલ્સ, માર્કેટિંગ અને રિટેલ માટે ફાયનાન્સના વાઇસ પ્રેસિડેન્ટ જેવા હોદ્દા પર રહી ચૂક્યા છે. તેમણે 1 જાન્યુઆરી, 2025 થી Apple Inc. ના મુખ્ય નાણાકીય અધિકારી (CFO) તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે.
ભારતીય મૂળના કેવન પારેખ : તમને જણાવી દઈએ કે એપલ પહેલા કેવન પારેખ થોમસન રોઈટર્સ અને જનરલ મોટર્સમાં સીનિયર લીડરશીપ પદ પર કામ કરી ચૂક્યા છે. કંપનીના CFO સંક્રમણ યોજનાના ભાગરૂપે કેવન પારેખ લુકા મેસ્ટ્રીનું સ્થાન લેશે. એપલે 27 ઓગસ્ટ, 2024 ના રોજ પારેખને તેના નવા મુખ્ય નાણાકીય અધિકારી તરીકે જાહેર કર્યા.
"એક દાયકાથી વધુ સમયથી કેવન પારેખ Appleની ફાઇનાન્સ લીડરશીપ ટીમના અનિવાર્ય સભ્ય છે અને તે કંપનીને અંદર અને બહારથી સમજે છે." -- ટિમ કૂક (ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, Apple)
કોણ છે કેવન પારેખ ? 1972 માં જન્મેલા કેવન પારેખે મિશિગન યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં વિજ્ઞાનમાં સ્નાતક અને શિકાગો યુનિવર્સિટીમાંથી MBA કર્યું છે. Apple Inc. ના અગાઉ જાહેર કરાયેલા ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર ટ્રાન્ઝિશન પ્લાનના ભાગ રૂપે, Apple બોર્ડ ઑફ ડિરેક્ટર્સે 53 વર્ષીય કેવન પારેખને Apple વરિષ્ઠ વાઇસ પ્રેસિડેન્ટ, ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર તરીકે 1 જાન્યુઆરી, 2025 થી અમલમાં મૂક્યા છે. પારેખ CFO ની ભૂમિકામાં લુકા મેસ્ત્રીની જગ્યા લેશે.