મુંબઈ : 19 એપ્રિલ, શુક્રવારના રોજ ભારતીય શેરબજાર લાલ નિશાનમાં ખુલ્યું હતું. જોકે બાદમાં બજાર નીચલા સ્તરેથી શાનદાર રિકવરી નોંધાવીને ગ્રીન ઝોનમાં બંધ થયું છે. ભારતીય શેરબજારના મુખ્ય સૂચકાંક BSE Sensex 599 પોઇન્ટ વધીને 73,088 ના મથાળે બંધ થયો હતો. જ્યારે NSE Nifty ઈનડેક્સ પણ લગભગ 151 પોઇન્ટ વધીને 22,247 પર બંધ થયો હતો.
નીચલા સ્તરથી શાનદાર રિકવરી : કારોબારી સપ્તાહના છેલ્લા ચાર દિવસની વેચવાલીને બ્રેક લાગી અને ટ્રેડિંગ સેશનમાં શેરબજાર વધારા સાથે બંધ થયું છે. બેન્કિંગ અને ફાઇનાન્શિયલ શેરોમાં તેજી જોવા મળી હતી. IT, રિયલ્ટી ઈન્ડેક્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. બજારમાં આજે જબરદસ્ત ઉથલપાથલ જોવા મળી હતી. પહેલા સમાચાર આવ્યા કે ઈઝરાયેલે ઈરાન પર મિસાઈલ હુમલો કર્યો, આ પછી નિફ્ટી 21,777 પોઈન્ટ સુધી ગગડ્યો હતો. બાદમાં ઈરાને હુમલાના સમાચારને નકારી કાઢ્યા અને નિફ્ટીએ નીચલા સ્તરેથી લગભગ 370 પોઈન્ટની રિકવરી નોંધાવી હતી.
BSE Sensex : આજે 19 એપ્રિલ, શુક્રવારના રોજ BSE Sensex ગત 72,488 ના બંધ સામે 489 પોઈન્ટના કડાકા સાથે 71,999 ના મથાળે ખુલ્યો હતો. શરુઆતી કારોબારમાં BSE Sensex 71,816 પોઈન્ટ સુધી ડાઉન ગયો હતો. પરંતુ ત્યારબાદ લેવાલીના પગલે 1394 પોઈન્ટની રિકવરી સાથે 73,210 પોઈન્ટની ડે હાઈ બનાવી ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex 599 પોઇન્ટ વધારો નોંધાવી 73,088 ના મથાળે ગ્રીન ઝોનમાં બંધ થયો હતો.
NSE Nifty : આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈનડેક્સ લગભગ 151 પોઇન્ટ વધીને 22,247 ના મથાળે બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, NSE Nifty ઈનડેક્સ આજે ગત 21,995 ના બંધની સામે 134 પોઇન્ટ ઘટીને 21,861 ના મથાળે ખુલ્યો હતો. શરૂઆતમાં ઈન્ડેક્સ 21,777 પોઈન્ટ સુધી ડાઉન ગયો હતો. જોકે, દિવસ દરમિયાન બજારના જોરદાર પ્રદર્શન બાદ 402 પોઈન્ટની રિકવરી નોંધાવીને 22,179 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી.
ટોપ ગેઈનર શેર : આજે સેન્સેક્સ ઈન્ડેક્સમાં લિસ્ટેડ કંપનીઓમાં સૌથી વધુ ઊંચકાયેલા શેરમાં બજાજ ફાઇનાન્સ (3.16%), M&M (2.90%), HDFC બેંક (2.46%), JSW સ્ટીલ (2.39%) અને મારુતિ સુઝુકીનો (2.20%) સમાવેશ થાય છે.
ટોપ લુઝર શેર : જ્યારે સેન્સેક્સ ઈન્ડેક્સમાં લિસ્ટેડ કંપનીઓમાં સૌથી વધુ ગગડેલા શેરોમાં HCL ટેક (-1.20%), નેસ્લે (-1.04%), ટીસીએસ (-0.93%), લાર્સન (-0.89%) અને ટાટા મોટર્સનો (-0.84%) સમાવેશ થાય છે.
ફેડ કમિટી : US ફેડ સભ્યોની કોમેન્ટરીથી બજારનો મૂડ બગડ્યો છે. 3 ફેડ સભ્યોએ કહ્યું કે, હવે રેટ કટનો સમય નથી. જ્યારે 2 ફેડ સભ્યો માને છે કે અમુક સમય માટે દરમાં કોઈ ઘટાડો થશે નહીં. જોન વિલિયમ્સે કહ્યું કે જો જરૂરી હોય તો દર વધારવામાં પણ આવી શકે છે.