ઉત્તરાખંડ : ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં સ્થિત વિશ્વ પ્રસિદ્ધ વેલી ઓફ ફ્લાવર્સ ટ્રેક 1 જૂનથી પ્રવાસીઓ માટે ખોલવામાં આવશે. વેલી ઓફ ફ્લાવર્સ ટ્રેક તેના ફૂલો માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. ધ વેલી ઓફ ફ્લાવર્સ દુર્લભ હિમાલયન વનસ્પતિઓથી સમૃદ્ધ છે અને જૈવ વિવિધતાનો અનોખો ખજાનો છે. અહીં રંગબેરંગી ફૂલોની 500 થી વધુ પ્રજાતિઓ ખીલે છે.
30 ઓક્ટોબર સુધી માણો લ્હાવો : પ્રકૃતિપ્રેમીઓ ફૂલોની ઘાટીમાંથી ટિપ્રા ગ્લેશિયર, રતાબન પીક, ગૌરી અને નીલગિરી પર્વતોના મનોહર દ્રશ્યો પણ જોઈ શકે છે. વેલી ઓફ ફ્લાવર્સ 30 ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે ખુલ્લી રહેશે. ડેપ્યુટી ફોરેસ્ટ કન્ઝર્વેટર બીબી મારતોલિયાએ જણાવ્યું હતું કે, વેલી ઓફ ફ્લાવર્સ માટે પ્રવાસીઓનું પ્રથમ જૂથ 1 જૂનના રોજ ઘાંઘરિયા બેઝ કેમ્પથી રવાના કરવામાં આવશે. વેલી ઓફ ફ્લાવર્સ ટ્રેકિંગ કર્યા બાદ પ્રવાસીઓએ તે જ દિવસે બેઝ કેમ્પ ઘાંઘરિયા પરત ફરવાનું રહેશે.
વેલી ઓફ ફ્લાવર્સ ટ્રેકિંગ માટે ફી : બીબી મારતોલિયાએ કહ્યું કે, બેઝ કેમ્પ ઘાંઘરિયામાં પ્રવાસીઓના રહેવાની યોગ્ય વ્યવસ્થા છે. વેલી ઓફ ફ્લાવર્સ ટ્રેકિંગ માટે સ્થાનિક નાગરિકો માટે ઈકો ટ્રેક ફી રૂ. 200 અને વિદેશી નાગરિકો માટે રૂ. 800 નક્કી કરવામાં આવી છે. આ ટ્રેકને સરળ અને સુવિધાજનક બનાવવામાં આવ્યો છે. વેલી ઓફ ફ્લાવર્સ માટે બેઝ કેમ્પ ઘાંઘરીયાથી ટૂરિસ્ટ ગાઈડની પણ સુવિધા હશે.
ધ વેલી ઓફ ફ્લાવર્સ : ધ વેલી ઓફ ફ્લાવર્સની શોધ બ્રિટિશ પર્વતારોહક ફ્રેન્ક એસ. સ્મિથ અને તેમના ભાગીદાર RL હોલ્ડ્સવર્થ દ્વારા કરવામાં આવી હતી. વર્ષ 1931 માં આ બંને પર્વતારોહક તેમના અભિયાનથી પાછા ફરી રહ્યા હતા, ત્યારે તેઓએ ફૂલોની ઘાટી જોઈ હતી. તે સ્થળની સુંદરતા અને રંગબેરંગી ફૂલોથી એટલા આશ્ચર્યચકિત અને પ્રભાવિત થયા કે અહીં થોડો સમય વિતાવ્યો. બાદમાં તેઓ 1937 માં ફરીથી પાછા આવ્યા. ત્યારે ફૂલોની ઘાટીથી પરત ફર્યા બાદ તેમણે એક પુસ્તક પણ લખ્યું, જેનું નામ હતું વેલી ઓફ ફ્લાવર્સ.
ક્યારે જવું વધુ યોગ્ય : તમને જણાવી દઈએ કે વેલી ઓફ ફ્લાવર્સ ચમોલી જિલ્લામાં આવેલી છે. જે લગભગ 3 કિલોમીટર લાંબો અને લગભગ અડધો કિલોમીટર પહોળો છે. આ સુંદર સ્થળની મુલાકાત લેવા માટે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના શ્રેષ્ઠ છે. જો તમે ચારધામ યાત્રા પર આવી રહ્યા છો તો બદ્રીનાથ ધામ જતા પહેલા તમે વેલી ઓફ ફ્લાવર્સ જોઈ શકો છો. રાજ્ય સરકાર તરફથી ગોવિંદઘાટ પર રોકાવાની વ્યવસ્થા છે, પરંતુ તમે અહીં રાત વિતાવી શકતા નથી. તમારે સાંજ પહેલા પાર્કમાંથી પાછા ફરવું પડશે.