દેહરાદૂન (ઉત્તરાખંડ): ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડના અમલીકરણની તૈયારીઓ અંતિમ ચરણમાં છે. આ કાયદાનો સંપૂર્ણ ડ્રાફ્ટ તૈયાર છે. આજે ઉત્તરાખંડ યુસીસી કમિટીના ચેરપર્સન જસ્ટિસ રંજના દેસાઈએ ડ્રાફ્ટની તૈયારી વિશે માહિતી આપી હતી. જે ટૂંક સમયમાં ઉત્તરાખંડ સરકારને સોંપવામાં આવશે. ઉત્તરાખંડ યુનિફોર્મ સિવિલ કોડને અમલી કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બનવા જઈ રહ્યું છે. ઉત્તરાખંડના આ ડ્રાફ્ટ દ્વારા કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં સમાન નાગરિક સંહિતાનો અમલ કરી શકે છે.
યુનિફોર્મ સિવિલ કોડ વિષયકઃ આ કાયદો દરેક નાગરિક માટે સમાનતા લાવી રહ્યો છે. જેમાં દરેક સંપ્રદાય, ધર્મ કે જાતિના લોકોને કાયદો સમાન રીતે લાગુ પડશે. એટલે કે લગ્ન, છૂટાછેડા અને મિલકતની વહેચણી વગેરે બાબતોમાં સમાન કાયદો તમામ ધર્મોને લાગુ પડશે. આ એક ન્યાયી કાયદો હશે જેને કોઈ ધર્મ કે જાતિ સાથે સંબંધ અને બંધન નહીં હોય.
યુનિફોર્મ સિવિલ કોડ બાદ થનારા ફેરફારોઃ યુસીસીના અમલ સાથે અનેક વિવાહ પ્રતિબંધ મૂકવામાં આવશે. અનેક વિવાહ પ્રથા હજુ પણ ભારતમાં અનેક રાજ્યોમાં જોવા મળી રહી છે. UCC હેઠળ માત્ર એક જ લગ્ન માન્ય ગણાશે. છોકરીઓના લગ્નની ઉંમર 21 વર્ષ નક્કી કરી શકાય છે. તેમજ છોકરી લગ્ન પહેલા ગ્રેજ્યુએટ થઈ શકે.
લિવ ઈન રિલેશનશિપમાં ફેરફારઃ આજકાલ ભારતના મોટા શહેરોમાં લિવ ઈન રિલેશનશિપની પ્રથા જોવા મળી રહી છે. જો UCC લાગુ થશે તો લિવ ઈન રિલેશનશિપમાં રહેવા માટે જાહેરાત જરુરી બનશે. તેમજ લિવ ઈન રિલેશનશિપમાં રહેતા લોકોના માતા-પિતાને પણ આ અંગે જાણ કરવી પડશે. તેમજ પોલીસ પાસે લિવ ઈન રિલેશનશિપનો રેકોર્ડ રહશે, કારણ કે લિવ ઈન રિલેશનશિપની પોલીસમાં નોંધણી કરાવવી ફરજિયાત રહેશે.
દત્તક પ્રક્રિયા સરળ બનશેઃ અત્યાર સુધી જમીન, મિલકત કે રોકડ રકમની વહેચણીમાં છોકરાઓનું વર્ચસ્વ હતું, પરંતુ UCC હેઠળ છોકરીઓને છોકરાઓની જેમ વારસામાં સમાન હિસ્સો મળશે. આ સિવાય દત્તક દરેક માટે માન્ય રહેશે. મુસ્લિમ મહિલાઓ પણ દત્તક લઈ શકશે. દત્તક લેવાની પ્રક્રિયાને સરળ બનાવવામાં આવશે.
હલાલા પર પ્રતિબંધ રહેશેઃ મુસ્લિમ સમુદાયમાં થઈ રહેલા હલાલા અને ઈદ્દત પર પણ પ્રતિબંધ રહેશે. લગ્ન પછી લગ્ન નોંધણી કરાવવી ફરજિયાત રહેશે. દરેક લગ્નની નોંધણી ગામમાં જ થશે. નોંધણી વિનાના લગ્ન માન્ય રહેશે નહીં. આટલું જ નહીં જો લગ્નનું રજિસ્ટ્રેશન નહિ કરાવ્યું હોય તો તમને કોઈ સરકારી સુવિધાનો લાભ નહીં મળે. પતિ-પત્ની બંનેને છૂટાછેડા માટે સમાન આધાર મળશે. છૂટાછેડાના જે આધારો પતિને લાગુ પડે છે તે જ આધાર પત્નીને પણ લાગુ પડશે.
સાસુ-સસરાની દેખરેખની જવાબદારીઃ નોકરી કરનારનું મૃત્યુ થાય ત્યારે તેની વિધવાને વળતર મળે છે. આ વળતરમાં તેના વૃદ્ધ સાસુ-સસરાની દેખરેખની જવાબદારી પણ સામેલ હશે. જો પત્ની ફરીથી લગ્ન કરે છે, તો પતિના મૃત્યુ પર મળેલા વળતરમાં તેના સાસુ સસરાનો પણ હિસ્સો હશે. તે જ રીતે જો કોઈની પત્ની મૃત્યુ પામે છે અને તેના માતા પિતાનો કોઈ આધાર નથી, તો તેના ભરણપોષણની જવાબદારી પતિની રહેશે.
વસ્તી નિયંત્રણ માટેની જોગવાઈ: જો બાળક અનાથ હોય તો વાલીપણા માટેની પ્રક્રિયાને સરળ બનાવવામાં આવશે. પતિ-પત્ની વચ્ચેના વિવાદના કિસ્સામાં બાળકોની કસ્ટડી તેમના દાદા-દાદીને આપી શકાય છે. ભારત વસ્તીની દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ સ્થાને પહોંચી ગયું છે. આવી સ્થિતિમાં યુસીસીમાં વસ્તી નિયંત્રણ માટેની જોગવાઈ પણ થઈ શકે છે. જેમાં વસ્તી નિયંત્રણ માટે બાળકોની સંખ્યા પણ નક્કી કરવામાં આવી શકે છે.