કોટપુતલી-બેહરોડ: રમતા રમતા બોરવેલમાં પડી ગયેલી ત્રણ વર્ષની માસૂમ ચેતનાનું રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ થયું છે. 10માં દિવસે ચેતનાને બોરવેલમાંથી બહાર કાઢવામાં આવી છે. NDRFના જવાનો ચેતનાને જિલ્લા BDM હોસ્પિટલમાં લઈ ગયા છે. મેડિકલ તપાસ બાદ જ કંઈક કહી શકાય. છેલ્લા 10 દિવસથી ચાલી રહેલા રેસ્ક્યુ ઓપરેશન વચ્ચે બુધવારે સાંજે રેસ્ક્યુ ટીમને ચેતનાને બહાર કાઢવામાં સફળતા મળી ગઈ. ASI મહાવીરસિંહ ચેતના સાથે બોરવેલમાંથી બહાર આવ્યા હતા. ત્યાર બાદ NDRFના જવાનો તેને જિલ્લા BDM હોસ્પિટલ લઈ ગયા.
ગત 23 ડિસેમ્બરે ચેતના પડી હતી બોરવેલમાં
જિલ્લા કલેક્ટર કલ્પના અગ્રવાલે જણાવ્યું હતું કે, અમે છેલ્લા દસ દિવસથી પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ ખોદકામમાં પથ્થરો આવવાના કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી હતી. બાળકીને બહાર કાઢી હોસ્પિટલ લઈ જવામાં આવી છે, મેડિકલ તપાસ બાદ જ કંઈ કહી શકાય. આપને જણાવી દઈએ કે 23 ડિસેમ્બરે ત્રણ વર્ષની ચેતના રમતી વખતે લપસી જતાં 150 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગઈ હતી. બાળકી બોરવેલમાં પડી હોવાની માહિતી મળ્યા બાદ સતત બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
પ્રયાસ પાંચ વખત નિષ્ફળ ગયોઃ બુધવારે, લગભગ 170 ફૂટની ઊંડાઈએ ટનલ ખોદતી ટીમોએ ચેતનાનું સ્થાન શોધી કાઢ્યું હતું. જે બાદ તેને બહાર લાવવા માટે છેલ્લા રાઉન્ડમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઘટનાસ્થળે એમ્બ્યુલન્સ અને પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી હતી. BDM હોસ્પિટલમાં અલગથી સુરક્ષા તૈનાત કરવામાં આવી હતી. આ પહેલા પણ ચેતનાને બોરવેલમાંથી બહાર કાઢવાના 5 થી વધુ પ્રયાસો નિષ્ફળ ગયા હતા. જેમાં ચાર વખત ઘરેલુ જુગાડનો ઉપયોગ કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. બોરવેલમાં ફસાયેલી ચેતના લગભગ 8 દિવસથી કોઈ હલન-ચલન કરી રહી નથી.