મુંબઇ: બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને અનેક વખત જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ ધમકીઓ બાદ સલમાન ખાન હંમેશા કડક સુરક્ષા હેઠળ રહે છે. પરંતુ કડક સુરક્ષા હોવા છતાં, આજે સવારે 4:50 વાગ્યે અભિનેતાના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર બે અજાણ્યા શખ્સોએ ગોળીબાર કર્યો હતો. જે બાદ વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી.
એપાર્ટમેન્ટની સુરક્ષા વધારી: પ્રાપ્ત માહિતી અનુસાર, બે અજાણ્યા લોકોએ સવારે 4:50 વાગ્યે બાંદ્રામાં સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર હવામાં ત્રણથી ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. બંને ગોળીબાર ટુ-વ્હીલર પર થયા હતા. તેઓ હવામાં ફાયરિંગ કરી ત્યાંથી ભાગી ગયા હતા. બંનેએ હેલ્મેટ પહેર્યુ હતું. તેથી તેઓની ઓળખ થઈ શકી નથી. ઘટનાની જાણ થતાં ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. મુંબઈ પોલીસે ફાયરિંગની ગંભીર નોંધ લીધી છે. લોરેન્સ બિશ્નોઈ જેલમાં હોવા છતાં તેની ગેંગ બહાર છે, પોલીસનું કહેવું છે કે ગોલ્ડી બરાર પણ બહાર છે. આવી સ્થિતિમાં પોલીસને શંકા છે, કે આ જ ગેંગે સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કર્યું હતું. પરંતુ સલમાન ખાનને મળેલી ધમકીને ધ્યાનમાં રાખીને તેની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
સલમાનને જાનથી મારી નાખવાની અનેક ધમકીઓઃ બોલિવૂડના સુપરસ્ટાર અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર શૂટિંગ કરવાના સમાચાર આવ્યા બાદ ચાહકોમાં ચિંતાનું વાતાવરણ જોવા મળ્યુ છે. સલમાનની સુરક્ષાને લઈને દરેક વ્યક્તિ ચિંતિત છે. કારણ કે સલમાનને છેલ્લા ઘણા સમયથી ગોલ્ડી બરાર અને લોરેન્સ બિશ્નોઈ તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. આ પહેલા પણ સલમાન પર હુમલાના પ્રયાસો થયા છે. આવા સંજોગોમાં અભિનેતાના ઘરની બહાર ફાયરિંગનો મામલો ગંભીર માનવામાં આવે છે.
ધમકી બાદ સુરક્ષા વધારી દેવામાં આવીઃ અગાઉ મહારાષ્ટ્ર પોલીસના જવાનો સલમાનની સુરક્ષા માટે સાથે રહેતા હતા. પરંતુ ધમકીઓ મળ્યા બાદ તેને Y+ શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે. આ સુરક્ષા વર્તુળમાં 11 જવાન હંમેશા સલમાન સાથે રહે છે. તેમાં એક કે બે કમાન્ડો અને 2 પીએસઓ પણ હોય છે. સલમાનના વાહનની આગળ અને પાછળ હંમેશા બે વાહનો હોય છે. આ સિવાય સલમાનની કાર પણ સંપૂર્ણપણે બુલેટપ્રુફ છે.