હૈદરાબાદ: ઈનાડુ ગ્રુપ ઓફ કંપનીઝના ચેરમેન રામોજી રાવનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીન થયો છે. ગઈકાલે હૈદરાબાદની હોસ્પિટલમાં તેમનું નિધન થયું હતું તેઓ 87 વર્ષના હતા. શ્વાસ લેવામાં તકલીફ થવાને કારણે તેમને 5 જૂને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
પારિવારિક સૂત્રોના જણાવ્યા અનુસાર સવારે 4.50 વાગ્યે તેમનું નિધન થયું હતું. રામોજી રાવ સૌથી મોટા ટેલિકાસ્ટ થતાં તેલુગુ ડેઈલી 'ઈનાડુ', 'ETV' ચેનલ ગ્રુપ અને રામોજી ફિલ્મ સિટીના સ્થાપક હતા. તેમના પાર્થિવ દેહને રામોજી ફિલ્મ સિટી સ્થિત તેમના નિવાસસ્થાને લઈ જવામાં આવ્યો હતો. આંધ્ર પ્રદેશ સરકારે બે દિવસ (9 અને 10 જૂન) માટે રાજ્ય શોક જાહેર કર્યો છે.સરકારના ત્રણ વરિષ્ઠ અધિકારીઓ, આરપી સિસોદિયા, સાઈપ્રસાદ અને રજત ભાર્ગવ, આંધ્ર પ્રદેશ સરકારના પ્રતિનિધિ તરીકે રામોજી રાવના અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતા.
હૈદરાબાદ સ્થિત રામોજી ફિલ્મ સિટી ખાતે રામોજી રાવના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં. સમગ્ર રાજકીય સન્માન સાથે રામોજી રાવના પાર્થિવદેહને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ શાસ્ત્રોક્ત વિધી સાથે તેમના પાર્થિવદેહને મુખાગ્નિ આપવામાં આવી હતી. આ તકે હજારોની સંખ્યામા તેમના સમર્થકો, પરિવારજનોની આંખો ભીની થઈ ગઈ હતી.