છત્તીસગઢ : કોરબામાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો પ્રારંભ થયો છે. સવારે 8 વાગ્યે સીતામઢી ચોકથી યાત્રા શરૂ થઈ હતી. છત્તીસગઢ કોંગ્રેસના અધ્યક્ષ દીપક બૈજે કોરબામાં ધ્વજારોહણ કરી ભારત જોડો ન્યાય યાત્રાના 30 મા દિવસની શરૂઆત કરી હતી. રાહુલ ગાંધીની આ યાત્રાને લઈને કોંગ્રેસના કાર્યકરો તેમજ સામાન્ય લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
છત્તીસગઢ ભારત જોડો યાત્રા : કોરબામાં સીતામઢી ચોકથી શરૂ થયેલી યાત્રા ટ્રાન્સપોર્ટ નગર ચોક ખાતે પહોંચશે, જ્યાં રાહુલ ગાંધીની સભા યોજાશે. આ પછી છુરીના કોસા માર્કેટમાં સ્વાગત સમારોહ યોજાશે. આ યાત્રા બપોરે 12 કલાકે કટઘોરા ચોક ખાતે પહોંચશે. જ્યાં યાત્રા આરામ કર્યા બાદ બપોરે 2 વાગ્યે ફરી શરૂ થશે. ભારત જોડો ન્યાય યાત્રા ગુરસિયા, ચોટિયા અને મોર્ગો થઈને શિવનગર ગ્રામ પંચાયત સૂરજપુર પહોંચશે, જ્યાં યાત્રા રાત્રી રોકાણ કરશે.
કોરબામાં રાહુલ ગાંધી : છત્તીસગઢની ભારત જોડો ન્યાય યાત્રા 11 ફેબ્રુઆરીએ રાયગઢ પહોંચી હતી. એક દિવસની લાંબી યાત્રા બાદ રાહુલ ગાંધી સાંજે કોરબા જિલ્લાના લબેડ ગામમાં પહોંચ્યા હતા. જ્યાં પૂર્વ કેબિનેટ મંત્રી અને યાત્રાના રાજ્ય સંયોજક જયસિંહ અગ્રવાલે રાહુલ ગાંધી અને કોંગ્રેસના અન્ય નેતાઓનું સ્વાગત કર્યું હતું. ન્યાય યાત્રા લાંબો સમય લબેડમાં ટ્રાફિક જામમાં અટવાઈ રહી હતી. ત્યારબાદ રાહુલ ગાંધી મોડી રાત્રે ભૈસમા પહોંચ્યા અને રાત્રી રોકાણ કર્યું હતું. રાહુલ ગાંધી સાથે કોંગ્રેસના પ્રદેશ પ્રભારી સચિન પાયલટ, છત્તીસગઢ પ્રદેશ અધ્યક્ષ દીપક બૈજ અને ડો. ચરણદાસ મહંત સહિત રાજ્યના તમામ મોટા નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
જનતા વચ્ચે પહોંચ્યા રાહુલ : રાયગઢ અને સક્તિમાં ન્યાય યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ પ્રેમની દુકાન સ્થાપી હતી. એક છોકરી સાથે વાતચીત કરી અને તેના પરિવાર વિશે પૂછ્યું હતું. આ દરમિયાન રાહુલ ગાંધી ઘણા લોકોને મળ્યા હતા. એક છોકરી રાજીવ ગાંધીનો ફોટો પકડીને ઊભી હતી. આ જોઈને રાહુલ ગાંધી ભાવુક થઈ ગયા. સક્તિમાં રાહુલ ગાંધીએ એક યુવક સાથે વાત કરી અને તેના જીવન અને કામ વિશે પૂછ્યું અને તેને ભેટી પડ્યા હતા.