ઉત્તરપ્રદેશ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીS આજે ત્રીજી વખત તેમના સંસદીય ક્ષેત્રમાંથી ઉમેદવારી પત્ર ભર્યું છે. આજે સૌથી પહેલા પીએમ મોદીએ પાંચ વૈદિક આચાર્યોની હાજરીમાં દશાશ્વમેધ ઘાટ પર વિધિ-વિધાન મુજબ માતા ગંગાની પૂજા કરી હતી. પછી પીએમ મોદી કાલ ભૈરવ મંદિર પહોંચ્યા અને ત્યાં પૂજા કરી હતી. અહીં પૂજા કર્યા બાદ પીએમ મોદી નામાંકન માટે કલેક્ટર કચેરી જવા રવાના થયા હતા. જ્યાં સમર્થકોની ઉપસ્થિતિમાં વડાપ્રધાન મોદીએ નામાંકન દાખલ કર્યું છે.
માં ગંગા અને કાલ ભૈરવ પૂજન : દર વખતની જેમ આ વખતે પણ નોમિનેશન ભરતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જનતા વચ્ચે પહોંચ્યા હતા. પીએમનો કાફલો સવારે 8:30 કલાકે વારાણસીના બનારસ લોકોમોટિવ વર્કશોપ ગેસ્ટ હાઉસથી નીકળ્યો હતો. ત્યારબાદ નક્કી કરેલા રૂટથી ગંગા પૂજા કરવા દશ્વામેધ ઘાટ પહોંચ્યા હતા. અહીં પીએમ મોદીએ વિધિ પ્રમાણે માતા ગંગાની પૂજા કરી હતી. બાદમાં પીએમ મોદી ક્રુઝ મારફતે કાલ ભૈરવ મંદિર પહોંચ્યા અને ભૈરવ અષ્ટકની પૂજા અને બાબા કાલ ભૈરવની આરતી કર્યા બાદ તેઓ નામાંકન માટે રવાના થયા હતાં.
પીએમ મોદીના નામાંકન માટે શા માટે ખાસ દિવસ ?
જ્યોતિષાચાર્ય ઋષિ દ્વિવેદીનું કહેવું છે કે, જે દિવસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પસંદ કર્યો છે, તે ગંગા સપ્તમીનો પવિત્ર દિવસ છે, જે ગંગા માતાની ઉત્પત્તિનો દિવસ માનવામાં આવે છે. માતા ગંગા આ દિવસે સ્વર્ગ છોડીને પૃથ્વી પર આવ્યાં હતાં. ગંગાની ઝડપી ગતિને નિયંત્રિત કરવા માટે મહાદેવે પોતાની જટાથી તેમને રોક્યા હતા. કાશીમાં આ દિવસનું વિશેષ મહત્વ છે, કારણ કે વૈશાખ શુક્લ સપ્તમી પોતાનામાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ વખતે નક્ષત્ર રાજ પુષ્ય સાથે સર્વાર્થ સિદ્ધિ યોગ અને રવિ યોગનો સંયોગ છે. આ બધા શુભ યોગનો સમય 11:40 થી 12:30 છે. તમામ કાર્યોને પૂરા કરવા માટે આ સૌથી શુભ સમય છે, તેથી વડાપ્રધાન આ સમયે જ પોતાનું નામાંકન દાખલ કરી રહ્યાં છે.
12 રાજ્યોના મુખ્યપ્રધાન ઉપસ્થિત રહેશે : વડાપ્રધાન મોદીના નોમીનેશનમાં 12 રાજ્યોના સીએમ સામેલ છે. જેમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ, છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઈ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે સહિત રાજસ્થાન, આસામ, હરિયાણા, ગોવા, સિક્કિમ અને ત્રિપુરાના મુખ્યમંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. ઉપરાંત પીએમ મોદી સાથે ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ પણ ઉપસ્થિત હતાં.