નવી દિલ્હી: આજે દેશભરમાં 47 સ્થળોએ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (12 ફેબ્રુઆરી) વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સરકારના વિવિધ વિભાગોમાં નવા નિમણૂંક પામેલા એક લાખ જેટલાં કર્મચારીઓને નિમણૂક પત્રો એનાયત કરી રહ્યાં છે.
1 લાખ નિમણૂક પત્રો એનાયત: આ પ્રસંગે વડાપ્રધાન નરન્દ્ર મોદી ઈન્ટેગ્રેટેડ કોમ્પ્લેક્સ કર્મયોગી ભવન ફેઝ-1નો પણ શિલાન્યાસ કર્યો. વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ) દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર પીએમ મોદી 12 ફેબ્રુઆરી એટલે કે આજે સોમવારે સવારે 10.30 કલાકે નવા નિમાયેલા કર્મચારીઓને 1 લાખ નિમણૂક પત્રો એનાયત કરશે. સમગ્ર દેશમાં 47 સ્થળો પર રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
ક્યા ક્યા વિભાગોમાં નિમણૂક: આ તમામ સ્થળોએ કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં નિમાયેલા નવા કર્મચારીઓને નિમણૂક પત્ર આપવામાં આવશે. આ એક લાખ કર્મચારીઓની નિમણૂક કેન્દ્ર સરકારના રેવન્યૂ, ગૃહ, ઉચ્ચ શિક્ષણ, ઓટોમેટિક એનર્જી, સંરક્ષણ, નાણાકીય સેવાઓ, આરોગ્ય તથા પરિવાર કલ્યાણ અને રેલવે જેવા વિભાગોમાં કરવામાં આવી છે.