નવી દિલ્હી: પતંજલિ દ્વારા ભ્રામક જાહેરાતો અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણીના એક દિવસ અગાઉ બાબા રામદેવ અને પતંજલિના એમડી આચાર્ય બાલકૃષ્ણએ બિનશરતી માફી માટે કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી છે. રામદેવ અને બાલકૃષ્ણ બંનેએ સર્વોચ્ચ અદાલતને ખાતરી આપી છે કે તેઓ ભવિષ્યમાં વધુ સતર્ક રહેશે અને હંમેશા કાયદા અને ન્યાયની ગરીમાને જાળવી રાખશે.
બાલકૃષ્ણનું સોગંદનામુંઃ રામદેવ અને બાલકૃષ્ણ બંનેએ તેમના સોગંદનામામાં જણાવાયું છે કે, તેમણે કરેલ જાહેરાતના મુદ્દા પર દિલગીર તેઓ છે. જેમાં 21 નવેમ્બર 2023 ના આદેશનું ઉલ્લંઘન થયું હતું. તેમણે બિનશરતી માફી માંગતા ભારપૂર્વક જણાવ્યું કે, બંનેનો ક્યારેય સર્વોચ્ચ અદાલતના આદેશોનું ઉલ્લંઘન કરવાનો ઈરાદો નહતો. ભવિષ્યમાં આવી કોઈ ભૂલ થશે નહીં. બાલકૃષ્ણએ તેમના સોગંદનામામાં આ વિગતોનો ઉલ્લેખ કર્યો છે.
બાબા રામદેવનું સોગંદનામુંઃ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરેલ બાબા રામદેવના સોગંદનામામાં જણાવાયું છે કે, નવેમ્બર, 2023ના રોજ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ માટે હું બિનશરતી માફી માંગું છું. મને આ ભૂલનો ખેદ છે અને ખાતરી આપું છું કે ભવિષ્યમાં આનું પુનરાવર્તન નહીં થાય. હું હંમેશા કાયદાની મહત્તા અને ન્યાયની ભવ્યતા જાળવી રાખવાનું વચન આપું છું. સુપ્રીમ કોર્ટ બુધવારે આ મામલે સુનાવણી કરશે. 2 એપ્રિલના રોજ સુપ્રીમ કોર્ટે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને તેમને નવી એફિડેવિટ દાખલ કરવાની છેલ્લી તક આપી હતી.
સુપ્રીમ કોર્ટે આશ્ચર્ય વ્યક્ત કર્યુઃ સર્વોચ્ચ અદાલતે રામદેવ અને બાલકૃષ્ણનું પ્રતિનિધિત્વ કરતા વકીલને કહ્યું, તમારે કોર્ટમાં આપેલ બાંયધરીનું પાલન કરવું પડશે અને તમે દરેક નિયમો તોડી નાખ્યા છે. માત્ર સુપ્રીમ કોર્ટ જ નહિ દેશભરની અદાલતો દ્વારા આપવામાં આવેલા દરેક આદેશનું સન્માન કરવું જોઈએ. સર્વોચ્ચ અદાલતે આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું હતું કે, જ્યારે પતંજલિની દવાઓ શહેરમાં કોવિડ માટે વપરાતી હતી ત્યારે કેન્દ્ર સરકારે કેમ આંખ આડા કાન કર્યા.
કેન્દ્ર સરકારની દલીલઃ કેન્દ્ર સરકારનું પ્રતિનિધિત્વ કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, જે બન્યું તે ન થવું જોઈએ અને સમગ્ર મુદ્દાનો ઉકેલ લાવવા માટે પક્ષકારોના વકીલને મદદ કરીશું. રામદેવનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ બલબીરસિંહે કોર્ટને યોગગુરુની હાજરી અને તેમની બિનશરતી માફીની નોંધ લેવા વિનંતી કરી હતી. સર્વોચ્ચ અદાલતે ઉત્તરાખંડ સરકાર પાસેથી ખુલાસો માંગ્યો હતો કે, બાબા રામદેવ અને પતંજલિની ભ્રામક જાહેરાતો માટે કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. બેન્ચે કહ્યું કે, ગયા વર્ષે નવેમ્બરમાં સુપ્રીમ કોર્ટે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતી વખતે પતંજલિ આયુર્વેદને તેની દવાઓ વિશેની જાહેરાતોમાં "ખોટા" અને "ભ્રામક" દાવા કરવા સામે ચેતવણી આપી હતી.