મુંબઈ: મુંબઈની 50થી વધુ હોસ્પિટલોને ધમકીભર્યા ઈમેલ મળ્યા છે. ઈમેલ મોકલનારએ દાવો કર્યો હતો કે હોસ્પિટલના પલંગની નીચે અને બાથરૂમમાં બોમ્બ મૂકવામાં આવ્યા હતા, જેનાથી તે હોસ્પિટલોને ઉડાવી દેશે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ધમકીભર્યો ઈમેલ મોકલનારે વિદેશી VPN નેટવર્કનો ઉપયોગ કરીને ઈમેલ મોકલ્યો હતો.
મુંબઈ પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર મુંબઈની ઘણી મોટી હોસ્પિટલોને તેમના ઈમેલ આઈડી પર ધમકીભર્યા ઈમેલ મળ્યા છે. જે ઈમેલ આઈડી પરથી ધમકીભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો હતો તે સાયપ્રસમાં આવેલ છે. તેમજ અજાણ્યા આરોપીઓ દ્વારા ઉપયોગમાં લેવાયેલ VPN સ્વિત્ઝર્લેન્ડ અને જર્મનીનું હોવાનું માનવામાં આવે છે. કોઈ અજાણ્યા વ્યક્તિએ ઈમેલ લખીને 50 થી વધુ હોસ્પિટલોને મોકલી આપ્યો હતો.
પોલીસ અધિકારીએ કહ્યું કે, મુંબઈની હોસ્પિટલોને ધમકીભર્યો ઈમેલ મળતાની સાથે જ તેમણે પોલીસને જાણ કરી હતી. આ પછી, પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડે હોસ્પિટલોની તપાસ કરી, પરંતુ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી. પોલીસના જણાવ્યા અનુસાર, જે હોસ્પિટલોને ધમકીનો ઈમેલ મળ્યો છે તેમાં જસલોક હોસ્પિટલ, રાહેજા હોસ્પિટલ, સેવન હિલ્સ હોસ્પિટલ, કોહિનૂર હોસ્પિટલ, KEM હોસ્પિટલ, જેજે હોસ્પિટલ, સેન્ટ જ્યોર્જ હોસ્પિટલ, ભાભા હોસ્પિટલ, હિરાનંદાની હોસ્પિટલ અને અન્ય હોસ્પિટલોનો સમાવેશ થાય છે. પોલીસ અધિકારીએ કહ્યું કે ધમકીભર્યો ઈમેલ મોકલનાર વ્યક્તિને શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ મુંબઈ પોલીસના કંટ્રોલ રૂમને ઘણા ધમકીભર્યા કોલ આવ્યા છે. જોકે, આ વખતે હોસ્પિટલને સીધા ઈમેલની ધમકીના કારણે મુંબઈ પોલીસ એલર્ટ થઈ ગઈ છે.
ઘણા એરપોર્ટને પણ ધમકીઓ: અગાઉના દિવસે, ઈમેલ દ્વારા બોમ્બની ધમકીઓ મળ્યા બાદ દિલ્હી અને ચેન્નાઈ સહિત ભારતભરના એરપોર્ટને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા હતા. ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ (IGI) એરપોર્ટ પર દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (DIAL)ની ઓફિસને સવારે 9.35 વાગ્યે બોમ્બની ધમકીનો ઈમેલ મળ્યો હતો. દુબઈ જનારા વિમાનની અંદર બોમ્બ હોવાનું કહેવાય છે. જો કે, મેઇલમાં એરલાઇન અથવા ફ્લાઇટ નંબર વિશે કોઈ વિગતો નહોતી. પોલીસે જણાવ્યું કે ઈમેલ મોકલનાર વ્યક્તિએ રાત્રે 12.40 વાગ્યાની આસપાસ દેશના અન્ય કેટલાક એરપોર્ટ પર પણ બોમ્બની આવી જ ધમકીઓ મોકલી હતી.
ચેન્નાઈ એરપોર્ટના અધિકારીઓએ જણાવ્યું હતું કે, બોમ્બની ધમકી મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓએ દુબઈ જતી અમીરાતની ફ્લાઇટની 286 મુસાફરોને લઈને સઘન શોધખોળ હાથ ધરી હતી, પરંતુ તે બનાવટી હોવાનું બહાર આવ્યું હતું. જે પ્લેન સવારે લગભગ 9.50 વાગ્યે ઉપડવાનું હતું તે બે કલાક મોડું થયું હતું.