પોરબંદર: પોરબંદર લોકસભાની બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે ડોક્ટર મનસુખ માંડવીયા, બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર તરીકે એનપી રાઠોડ, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના ઉમેદવાર તરીકે લલિત વસોયા, વીરો કે વીર ઇન્ડિયા પાર્ટીના લાખણશી ઓડેદરા, સમાજવાદી પાર્ટીના શેખવા નિલેશકુમાર રામજીભાઈ, લોક પાર્ટીના સિદ્ધપુરા હરસુખલાલ જીવનભાઈ અને અપક્ષમાં કુલ છ લોકોએ ઉમેદવારી નોંધાવી છે. જેમાં જેઠવા બીપીનકુમાર ભીખાલાલ, નાથાભાઈ ભુરાભાઈ ઓડેદરા, મહેમુદભાઈ સૈયદ રાઠોડ, ચંદુભાઈ મોહનભાઈ સોલંકી ,જતીન ધીરુભાઈ અને સોઢા હુસેનભાઇ અલીભાઈએ પોરબંદર લોકસભાની બેઠક પર ઉમેદવારી નોંધાવી છે.
વિધાનસભાની બેઠક પર છ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી: જ્યારે વિધાનસભાની બેઠક પર છ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે, જેમાં ભાજપના અર્જુનભાઈ મોઢવાડિયા, કોંગ્રેસના ઓડેદરા રાજુભાઈ ભીમાભાઇ, વીરો કે વીર ઇન્ડિયન પાર્ટીમાંથી રસિક ઘેલા મંગેરા અને અપક્ષ માંથી કુલ ત્રણ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે, જેમાં અશ્વિનભાઈ દેવજીભાઈ મોતીવરસ, જીવનભાઈ રણછોડભાઈ જોગી અને દિલાવર ભાઈ લાખાભાઈ જોખીયાએ વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે.
ક્યા મુદ્દાને લઈને પોરબંદર બેઠક પર ચૂંટણી લડશે નેતાઓ: પોરબંદર લોકસભા બેઠક પર વિધાનસભાની સાત બેઠકોનો સમાવેશ થાય છે, જેમાં પોરબંદર, કુતિયાણા, ગોંડલ, જેતપુર, ધોરાજી, માણાવદર અને કેશોદને આવરી લેવામાં આવી છે. ત્યારે પોરબંદર લોકસભા બેઠક પર અનેક મુદ્દાઓ છે જેના પર નેતાઓ વોટ માંગી રહ્યા છે. ભાજપના નેતાઓએ પ્રચાર પ્રસારમાં કોરોના દરમ્યાન આપેલ આરોગ્યની સુવિધાઓ અને વિવિધ યોજનાઓના ફાયદા ગણાવ્યા હતા. તો રામ મંદિર ,370 કલમ નાબુદી જેવા મુદાઓને લઈને પોરબંદર લોકસભા વિસ્તારમાં જઇ શહેર અને ગામડાઓમાં જઈને સભાઓ ગજવી હતી. આ ઉપરાંત રોડ શો પણ યોજ્યા હતા.
ક્યુઆર કોડ શેર કરી ફંડ માટે અપિલ: જ્યારે કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર લલિત વસોયા દ્વારા ભાજપ પર જી.એસ.ટી અને કોવિશિલ્ડ વેકસીન મારફતે અને ઇલેક્ટ્રોરલ બોન્ડમાં કૌભાંડના નામે સભાઓ સંબોધી હતી અને પોતાને ચૂંટણી લડવા રૂપિયા માટે સોશિયલ મિડિયામાં ક્યુઆર કોડ શેર કરી ફંડ માટે અપિલ કરી હતી. આ ઉપરાંત મનસુખ માંડવીયા આયાતી ઉમેદવાર છે. પોતે સ્થાનિક હોય અને પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં સ્થાનિક ઉમેદવાર યોગ્ય હોય તેવો પ્રચાર કર્યો હતો.
- 2019 માં ભાજપના રમેશ ધડુક 2,29,823 મત મેળવી કોંગ્રેસના લલિત વસોયાને હરાવીને જીત્યા હતા
અર્જૂનભાઈ સામે કોંગ્રેસના રાજુ ઓડેદરા: જ્યારે 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી અર્જુન ભાઈ મોઢવાડીયા ભાજપના ઉમેદવાર બાબુ બોખીરિયા સામે 8181 મતોથી જીત્યા હતા. પરંતુ હવે તેઓ ભાજપમાં જોડાતા ફરી પેટા ચુટણી યોજાઈ છે, જેમાં અર્જૂનભાઈ સામે કોંગ્રેસના રાજુ ઓડેદરા લડશે.
પોરબંદર વિધાનસભા વિસ્તારમાં સમસ્યાઓની હારમાળા: પોરબંદર વિધાનસભા વિસ્તારમાં લોકોની અનેક સમસ્યાઓ છે, જેમાં મુખ્યત્વે જેતપુરના કારખાનાઓમાંથી નીકળતું ગંદુ પાણી દરિયામાં ઠાલવી દેવાના પ્રોજેક્ટનો વિરોધ, જેનો હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. પરંતુ માત્ર આશ્વાસન અપાયું છે. ખારવા સમાજ સહિત અનેક સામાજિક આગેવાનોએ આ પ્રોજેક્ટનો વિરોધ કર્યો છે. આ વિરોધ પ્રદર્શનમાં અર્જુનભાઈ મોઢવાડિયા પણ સામેલ હતા પરંતુ હવે તેઓ ભાજપમાં જોડાયા છે. અત્યારે યોગ્ય નિકાલ આવે તેની લોકો જોઈ રહ્યા છે. આ ઉપરાંત પોરબંદરના વેપારીઓના પડતર પ્રશ્નો તથા ઉદ્યોગ બેરોજગારી અને શિક્ષણ ક્ષેત્રમાં પણ વિકાસની જરૂર લાગી રહી છે. ત્યારે મુખ્યત્વે પોરબંદરનો વ્યવસાય અનેક વિદેશના લોકો સાથે પણ જોડાયેલો હોય ત્યારે એરપોર્ટ હોવા છતાં ઘણા સમયથી એક પણ ફ્લાઇટ ચાલુ ન હોવાથી લોકોને મુશ્કેલી પડી રહી છે. આ ઉપરાંત પોરબંદર શહેર સહિત બરડા ડુંગરમાં બેફામ દારૂ વેચાતો હોય તેવી પણ લોક ચર્ચા થઈ રહી છે. આ દારૂનું દુષણ જડમૂળથી ક્યારે નીકળશે તેવા સવાલો પણ લોકો કરી રહ્યા છે. પોલિસ વિભાગ દ્વારા અનેક વાર દારૂની ભઠ્ઠીઓ નાસ કરવામાં આવે છે. ઉપરાંત દારૂની હેરાફેરી કરતી ટ્રકો પણ ઝડપાઇ છે. ચાલક ઝડપાય છે પરંતુ મંગાવનાર સામે કડક પગલાં લેવાતા નથી. આ ઉપરાંત પોરબંદર શહેર સહિત વિધાનસભાના ક્ષેત્રમાં ટોલનાકાનો પ્રશ્ન પણ રહેલો છે. અનેક વાર ટોલનાકાની મસ મોટી કિંમતો ચૂકવવી પડે છે. આ ફી માં ઘટાડો થાય તેવી રજૂઆતો કરાય છે. પરંતુ કોઈ નિર્ણય ન આવે ત્યારે વાહન ચાલકો ત્રાહીમામ પોકારે છે.