બેંગલોર : ભારતનું સૌપ્રથમ સૌર મિશન આદિત્ય-L1 ને મોટી સફળતા મળી છે. ISROના આદિત્ય-L1 અવકાશયાનના બે ઓનબોર્ડ રિમોટ સેન્સિંગ સાધનોએ તાજેતરના સૌર પ્રકોપને કેપ્ચર કરી લીધા છે. નોંધનીય છે કે, 6 જાન્યુઆરીએ આદિત્ય-L1 તેના નિયત સ્થાને પહોંચ્યું હતું.
સૌર મિશનને મળી સફળતા : સ્પેસ એજન્સી ઈસરોએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ભારતનું સૌપ્રથમ સૌર મિશન આદિત્ય-L1 2 સપ્ટેમ્બર, 2023 ના રોજ લોન્ચ થયાના 127 દિવસ પછી, આ વર્ષે 6 જાન્યુઆરીએ લેગ્રાંગિયન પોઈન્ટ (L1) પર પહોંચ્યું છે. આ પોઈન્ટ L1 પૃથ્વીથી આશરે 1.5 મિલિયન કિમી દૂર સ્થિત છે અને અહીંથી સૂર્ય પર સતત નજર રાખવા માટે અવકાશયાનને સક્ષમ બનાવે છે.
સૌર પ્રકોપને કેપ્ચર કર્યા : ISROએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સોલાર અલ્ટ્રા વાયોલેટ ઇમેજિંગ ટેલિસ્કોપ (SUIT) અને વિઝિબલ એમિશન લાઈન કોરોનાગ્રાફે (VELC) મે 2024 દરમિયાન સૂર્યની ગતિશીલ પ્રવૃત્તિઓને કેપ્ચર કરી છે. કોરોનલ માસ ઇજેક્શન્સ (CMEs) સાથે સંકળાયેલા કેટલાક X-ક્લાસ અને M-ક્લાસ જ્વાળાઓ રેકોર્ડ કરવામાં આવી હતી, જે નોંધપાત્ર જીઓમેગ્નેટિક વાવાઝોડા તરફ દોરી જાય છે.
સૂર્યની તસવીરો સામે આવી : ISROએ વધુમાં જણાવ્યું કે, સૂર્ય પર સક્રિય પ્રદેશ AR13664 પર મે માસના 8-15 ના સપ્તાહ દરમિયાન તેના પસાર થવા દરમિયાન ઘણા X-ક્લાસ અને M-ક્લાસ જ્વાળાઓ ફાટી નીકળ્યા, જે 8 અને 9 મે દરમિયાન CMEs સાથે સંકળાયેલા હતા. આનાથી 11 મેના રોજ એક મોટું ભૂ-ચુંબકીય તોફાન ઉત્પન્ન થયું. ISRO એ 17 મેના રોજ SUIT પેલોડ દ્વારા હસ્તગત કરેલી સૂર્યની તસવીરો બહાર પાડી અને VELC દ્વારા કરવામાં આવેલા અવલોકનોની વિગતો પણ શેર કરી છે.