નવી દિલ્હી : ભારત-બાંગ્લાદેશ સીમા સુરક્ષા દળો હાઈ એલર્ટ પર છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બાંગ્લાદેશમાં ચાલી રહેલી અશાંતિ દરમિયાન પ્રતિબંધિત ઈસ્લામી આતંકવાદી સંગઠન જમાત ઉલ મુજાહિદ્દીન બાંગ્લાદેશ (JMB) અને અંસારુલ્લા બાંગ્લા ટીમના ઘણા સભ્યો જેલમાંથી ભાગી ગયા હોવાની ગુપ્ત માહિતી મળી છે. આ આતંકવાદીઓ ભારતમાં ઘૂસવાની આશંકાને જોતા સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે.
ગુપ્ત માહિતી અનુસાર પ્રતિબંધિત ઈસ્લામી આતંકવાદી સંગઠન જમાત ઉલ મુજાહિદ્દીન બાંગ્લાદેશ (JMB) અને અંસારુલ્લા બાંગ્લા ટીમના સભ્યો બાંગ્લાદેશથી ભારતમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી શકે છે. કોઈપણ ગેરકાયદે ઘૂસણખોરીને રોકવા માટે બોર્ડર સિક્યોરિટી ફોર્સને (BSF) હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે.
મેઘાલયમાં તૈનાત BSF ઇન્સ્પેક્ટર જનરલ (IG) હરબક્સસિંહ ઢિલ્લોએ ETV Bharatને જણાવ્યું, 'હા, અમે હાઈ એલર્ટ પર છીએ. અમે સરહદ પારથી આવતા તમામ તથ્યો અને અહેવાલ પર વિચાર કરી રહ્યા છીએ. બાંગ્લાદેશમાં હાલની અશાંતિ અને હિંસાનો લાભ લઈને બાંગ્લાદેશની નરસિંગડી જેલમાંથી ઘણા કેદીઓ ભાગી ગયા છે. ઈસ્લામિક આતંકવાદી સંગઠન જમાત ઉલ મુજાહિદ્દીન બાંગ્લાદેશ (JMB) અને અંસારુલ્લા બાંગ્લા ટીમના ઓછામાં ઓછા 10 કેદીઓ ભાગી ગયા છે.
વિડંબના એ છે કે જમાત ઉલ મુજાહિદ્દીન બાંગ્લાદેશ (JMB) અને અંસારુલ્લા બાંગ્લા ટીમ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સરહદી રાજ્યોમાં સક્રિય છે. અનેકવાર ભારતમાં સુરક્ષા એજન્સીઓએ પશ્ચિમ બંગાળ અને આસામમાંથી આ સંગઠનોના સભ્યોની ધરપકડ કરી છે. સુરક્ષા એજન્સીઓને આશંકા છે કે આ આતંકવાદી સંગઠનોના સભ્યો બાંગ્લાદેશમાં હાલની અશાંતિનો ફાયદો ઉઠાવીને ભારતમાં ઘૂસણખોરી કરી શકે છે.
IG હરબક્સસિંહ ઢિલ્લોએ કહ્યું, 'કોઈપણ નાગરિકની ઘૂસણખોરી અથવા ગેરકાયદેસર પ્રવેશ રોકવા માટે ભારત-બાંગ્લાદેશ સરહદ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે.' બાંગ્લાદેશમાં વર્તમાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને BSF દ્વારા ભારત સાથેની બાંગ્લાદેશ સરહદ પર સતર્કતા વધારી દેવામાં આવી છે. BSF-મેઘાલય ફ્રન્ટિયર 443 કિમી લાંબી ભારત-બાંગ્લાદેશ સરહદની રક્ષા કરી રહી છે. તેણે 'ઓપરેશન એલર્ટ'નો અભ્યાસ કરીને આંતરરાષ્ટ્રીય સરહદ પર સુરક્ષા પગલાં સઘન બનાવ્યા છે.
જોકે IG ઢિલ્લોએ કહ્યું કે, આ સમયે બાંગ્લાદેશમાંથી ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષિત વાપસી પ્રાથમિક ચિંતા છે. 18 જુલાઈથી BSF દ્વારા મેઘાલયના પૂર્વ ખાસી હિલ્સ જિલ્લામાં દાવકી ઈન્ટિગ્રેટેડ ચેકપોસ્ટથી (ICP) 574 ભારતીય વિદ્યાર્થીઓ, નેપાળના લગભગ 435 વિદ્યાર્થીઓ અને ભૂતાનના 8 વિદ્યાર્થીઓને પ્રવેશની સુવિધા આપવામાં આવી છે. ગયા અઠવાડિયે 18 વિદ્યાર્થીઓ ICP કિલાપરા દ્વારા પશ્ચિમ ગારો હિલ્સ જિલ્લામાં પ્રવેશ્યા છે.
IG ઢિલ્લોએ BSF અધિકારીઓને ભારતીય નાગરિકો, ખાસ કરીને ICP દાવકી અને ICP કિલાપરા મારફતે પ્રવેશતા વિદ્યાર્થી સમુદાયને તમામ શક્ય સહાય પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો છે. જેમ કે પીવાનું પાણી, ફૂડ પેકેટ અને તબીબી સહાય પૂરી પાડવી અને તેમને તેમના ગંતવ્ય સુધી પહોંચવામાં મદદ કરવી.
IG ઢિલ્લોએ કહ્યું, 'બાંગ્લાદેશમાં ચાલી રહેલી અશાંતિ ટૂંક સમયમાં સમાપ્ત થવાની સંભાવના નથી. તેથી, બાંગ્લાદેશથી વધુ વિદ્યાર્થીઓ આવવાની અપેક્ષા છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 4,096 કિલોમીટર લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ છે. જેમાં આસામમાં 262 કિલોમીટર, ત્રિપુરામાં 856 કિલોમીટર, મિઝોરમમાં 318 કિલોમીટર, મેઘાલયમાં 443 કિલોમીટર અને પશ્ચિમ બંગાળમાં 2,217 કિલોમીટરનો સમાવેશ થાય છે.