ચંડીગઢ: સમગ્ર ઉત્તર ભારતમાં ભારે ગરમી પડી રહી છે. અસહ્ય ગરમીના કારણે લોકોનું જીવન મુશ્કેલ બની ગયું છે. અને આમાંથી હરિયાણા બાકાત નથી. પરંતુ આશ્ચર્ય ચકિત કરવા જેવી બાબત એ છે કે, આ વખતે હરિયાણાની ગરમી છેલ્લા 80 વર્ષનો રેકોર્ડ તોડવાની નજીક પહોંચી ગઈ છે. ચંદીગઢ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, મંગળવાર, 21 મેના રોજ હરિયાણાના સિરસામાં વિસ્તારમાં અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન નોંધાયું હતું.
આઝાદી પહેલાનો રેકોર્ડ તોડ્યો: ચંદીગઢ હવામાન વિભાગના અહેવાલ (IMD ચંદીગઢ) અનુસાર, મંગળવારે હરિયાણાના સિરસામાં વિસ્તારમાં મહત્તમ તાપમાન 47.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જે આ વર્ષેનો અત્યાર સુધીનો સૌથી ગરમ દિવસ ગણવામાં આવી રહ્યો છે. સિરસામાં વિસ્તારનું આ તાપમાન હરિયાણામાં ગરમીના રેકોર્ડની નજીક પહોંચી ગયું છે, જે 80 વર્ષ પહેલા નોંધાયું હતું. આઝાદી પહેલા 1944માં હિસારમાં મહત્તમ તાપમાન 48.3 ડિગ્રી નોંધાયું હતું.
હિટ વેવની પરિસ્થિતિ સર્જાય છે: 60 વર્ષ પહેલા, એટલે કે હરિયાણાની રચના બાદ પહેલી વાર રાજ્યમાં આકરી ગરમી પડી હતી. ગુરુગ્રામમાં 10 મે 1966ના રોજ મહત્તમ 49 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું. તો જ્યારે મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ અને સામાન્ય કરતાં 4.5 ડિગ્રી સેલ્સિયસથી વધુ હોય ત્યારે હીટ વેવ જાહેર કરવામાં આવે છે. અને જો તાપમાન સામાન્ય કરતા 6.5 ડિગ્રી વધારે હોય તો તે ગંભીર પરિસ્થિતિ ગણવામાં આવે છે. રાજ્યમાં જૂન સુધીમાં તાપમાનમાં વધારો થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી છે.
બધા વિસ્તારોમાં ગરમીની પરિસ્થિતિ: હરિયાણાના મોટાભાગના જિલ્લાઓમાં હાલમાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ કે તેનાથી ઉપર જઈ રહ્યો છે. જ્યારે સિરસા મંગળવારે 47.8 ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ગરમી ધરાવતો વિસ્તાર થઈ ગયો હતો. સિરસા સિવાય અન્ય જિલ્લાઓમાં 21 મેના રોજ મહત્તમ તાપમાનની વાત કરીએ તો તે હિસારમાં 46.3 ડિગ્રી, મહેન્દ્રગઢમાં 46.3 ડિગ્રી અને ભિવાનીમાં 46 ડિગ્રી સેલ્સિયસ હતું. પંચકુલા 24.3 ડિગ્રી સાથે સૌથી ઠંડો જિલ્લો રહ્યો છે. કેન્દ્રશાસિત પ્રદેશ અને હરિયાણાની રાજધાની ચંદીગઢમાં આજે મહત્તમ તાપમાન 41.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
હવામાન વિભાગની અપીલ: ચંદીગઢ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી જેમાં તેમણે કહ્યું હતું કે, હાલ હરિયાણામાં આગળના એક સપ્તાહ સુધી હવામાન શુષ્ક રહેશે. જેથી ગરમીથી રાહત મળે તેવી કોઈ શક્યતા નથી. સંપૂર્ણ હરિયાણામાં તીવ્ર ગરમી અને હીટ વેવને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ઉપરાંત ઘરેથી બહાર નીકળતી વખતે જરૂરી સાવચેતી રાખવી તેવી સૂચના પણ આપી છે. અને જો ખૂબ જરૂરી કામ ન હોય તો બહાર નીકળવાનું ટાળવું તેવી અપીલ પણ કરી છે.