સોનીપત: હરિયાણાના સોનીપતમાં મામા ભાંજા ચોકમાં ત્યારે સનસનાટી ફેલાઈ ગઈ જ્યારે બહાલગઢ તરફથી પુરપાટ ઝડપે આવી રહેલી એક ફોર્ડ ઈકો સ્પોર્ટ્સ કારે સાઈકલ અને સ્કૂટર પર ઘરે પરત ફરી રહેલા નેપાળના પાંચ યુવકોને પાછળથી ટક્કર મારી દીધી. આ ટક્કર એટલી ખતરનાક હતી કે 4 યુવકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા હતા, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. જ્યારે કારમાં મુસાફરી કરી રહેલા ત્રણ યુવકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અકસ્માતના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેને જોઈને કોઈપણના રૂંવાટા ઉભા થઈ જાય.
હરિયાણામાં રોડ અકસ્માતઃ સીસીટીવી ફૂટેજ જોઈને અંદાજ લગાવી શકાય છે કે, આ અકસ્માત કેટલો ભયંકર હતો. ઝડપી કાર ચાલકે એક નહીં પરંતુ ચાર પરિવારોને બરબાદ કરી દીધા હતા. આ ઘટના સોનીપતના મામા ભાંજા ચોક ખાતેની છે. આપ તસવીરો પરથી અંદાજ લગાવી શકો છો કે, ફોર્ડ ઈકો સ્પોર્ટ્સ કારે સાઈકલ સવાર વેઈટર્સને કેટલી ઝડપે નિર્દયતાથી કચડી નાખ્યા હશે.
4 યુવકોના મોત: પોલીસ પાસેથી મળેલી માહિતી અનુસાર આ અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકોની ઓળખ થઈ ગઈ છે. મૃતક યુવકોના નામ અમર, દલ બહાદુર, અર્જુન અને કમલ છે. તમામ નેપાળના રહેવાસી છે, જ્યારે તેમનો એક સાથી દિલ બહાદુર ગંભીર રીતે ઘાયલ છે. જ્યારે ઇકો સ્પોર્ટ્સ કારમાં મુસાફરી કરી રહેલા યુવાનો ઋત્વિક, મોહિત અને અરુણને પણ ગંભીર ઇજાઓ થઇ છે.
યુવકો નેપાળના રહેવાસી: અકસ્માતની માહિતી મળતાની સાથે જ સોનીપત સિવિલ લાઇન પોલીસ સ્ટેશન અને સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતાં. દરમિયાન ઘાયલોને સારવાર માટે રોહતક પીજીઆઈમાં રીફર કરવામાં આવ્યા હતા. આપને જણાવી દઈએ કે પરિવાર માટે રોજીરોટી કમાવવા માટે દરેક જણ વેઈટર તરીકે કામ કરતા હતા અને તેઓ મોડી રાત્રે એક કાર્યક્રમમાંથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.
સોનીપતના મામા ભાંજા ચોકમાં એક સ્પોર્ટ્સ કારે સાઈકલ સવાર યુવકોને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ચાર યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે કારમાં સવાર ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે રોહતક પીજીઆઈમાં રીફર કરવામાં આવ્યા છે. અકસ્માત સમયે કાર ચાલક દારૂના નશામાં હતો અને તે પુરપાટ ઝડપે કાર હંકારી રહ્યો હતો. સીસીટીવી ફૂટેજ દ્વારા અકસ્માતની તપાસ કરવામાં આવી રહી છે. હાલ વધુ તપાસ ચાલી રહી છે. - રવિન્દ્ર કુમાર, સિવિલ લાઈન પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ