ગુવાહાટી: આસામમાં પૂરની સ્થિતિમાં ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે, પરંતુ હજી પણ કેટલાક ભાગોમાં સ્થિતિ યથાવત્ છે. આસામ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ASDMA) ના તાજેતરના ડેટા અનુસાર, આસામના 5 જિલ્લા - કામરૂપ, કરીમગંજ, કચર, બરપેટા અને ધેમાજી જિલ્લામાં હજી પણ પૂરની ઝપેટમાં છે.
પૂરમાં મૃત્યુઆંક: ASDMA અનુસાર, શુક્રવારે પૂરને કારણે વધુ એક વ્યક્તિનું મોત થયું હતું. મૃતક બારપેટા જિલ્લાનો રહેવાસી હતો. આ પૂરના કારણે અત્યાર સુધીમાં મૃત્યુઆંક 32 પર પહોંચી ગયો છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના તાજેતરના ડેટા અનુસાર, આસામના 5 જિલ્લા - કામરૂપ, કરીમગંજ, કચર, બરપેટા અને ધેમાજી જિલ્લાના કુલ 383 ગામો હજી પણ પૂરમાં ડૂબી ગયા છે. કરીમગંજના 128 અને કામરૂપ જિલ્લાના 168 ગામો હજુ પણ પાણીમાં ડૂબી ગયા છે. બરપેટા જિલ્લાના નવ ગામો, કચર જિલ્લાના 63 અને ધેમાજી જિલ્લાના 15 ગામો પૂરથી પ્રભાવિત છે. વિભાગીય માહિતી અનુસાર, હજુ પણ 1,07,385 લોકો પૂરથી પ્રભાવિત છે.
કરીમગંજ જિલ્લામાં પૂરનો વિનાશ: નોંધનીય છે કે, પૂરનો કહેર થોડો ઓછો થયો છે, પરંતુ પૂર પ્રભાવિત લોકો હજુ પણ રાજ્યમાં 122 આશ્રય શિબિરોમાં આશરો લઈ રહ્યા છે. આમાંના મોટાભાગના આશ્રય શિબિરો કરીમગંજ જિલ્લામાં છે. પૂર પ્રભાવિત લોકો કરીમગંજ જિલ્લામાં 103 આશ્રય શિબિરોમાં આશ્રય લઈ રહ્યા છે. બાકીના 19 આશ્રય શિબિરો કચર જિલ્લામાં છે. ઉલ્લેખનીય છે કે, પૂર બાદ વિવિધ ચેપી રોગોનો પ્રકોપ વધ્યો છે. પૂરથી ક્ષતિગ્રસ્ત રસ્તાઓ, પુલ વગેરેને કારણે અનેક સ્થળોએ વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે.
આસામ અને પૂર્વોત્તર રાજ્યો માટે ઓરેન્જ એલર્ટ જારી: ગુવાહાટીમાં બોરઝર ખાતેના પ્રાદેશિક હવામાન કેન્દ્રે બુધવારે આસામ અને ઉત્તરપૂર્વમાં ઓરેન્જ એર્લટની ચેતવણી કરી છે, કારણ કે ચક્રવાતી પરિભ્રમણ ઉત્તરપૂર્વ આસામ અને તેની આસપાસના વિસ્તારોને દરિયાની સપાટીથી 1.5 કિમી સુધી અસર કરી રહ્યું છે. ત્રિપુરામાં પણ રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. પ્રાદેશિક હવામાન કેન્દ્ર અનુસાર, આસામના મોટાભાગના ભાગોમાં 4 જુલાઈ સુધી હળવોથી મધ્યમ વરસાદ પડશે.
હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા: આ દરમિયાન, ત્રિપુરાના વિવિધ ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે, જ્યાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. પ્રાદેશિક હવામાન કેન્દ્રએ જણાવ્યું હતું કે, પૂર્વોત્તર આસામ અને આસપાસના વિસ્તારોમાં ચક્રવાતી વાવાઝોડાની અસરને કારણે, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, મણિપુર, નાગાલેન્ડ, મિઝોરમ અને ત્રિપુરાના મોટાભાગના વિસ્તારોમાં 1 જુલાઈ સુધી હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે.