નવી દિલ્હીઃ જમણા હાથના અનુભવી વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. કાર્તિકે તેના 39માં જન્મદિવસના અવસર પર ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. કાર્તિકે હજી થોડા દિવસો પહેલા જ IPLમાંથી નિવૃત્તિ લીધી હતી. કાર્તિકે સોશિયલ મીડિયા પર એક ભાવનાત્મક પોસ્ટ દ્વારા કોચ અને ચાહકોનો આભાર માનીને નિવૃત્તિની જાહેરાત કરી છે.
કાર્તિકે સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ લખી અને તેના કોચ અને ચાહકોનો આભાર માનતો 53 સેકન્ડનો વિડિયો જાહેર કર્યો. 39 વર્ષીય આ ખેલાડીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 'It's official' કેપ્શન સાથે આ પોસ્ટ કર્યું છે.
કાર્તિકે લખ્યું, 'છેલ્લા કેટલાક દિવસોમાં મને જે સ્નેહ, સમર્થન અને પ્રેમ મળ્યો છે તેનાથી હું અભિભૂત છું. હું તમામ ચાહકોનો આભાર વ્યક્ત કરું છું જેમણે આ લાગણીને શક્ય બનાવી છે.'
નવા પડકારો માટે તૈયાર: યુએસ અને વેસ્ટ ઈન્ડિઝ દ્વારા સંયુક્ત રીતે આયોજિત થનારા આગામી T20 વર્લ્ડ કપ માટે કોમેન્ટ્રી પેનલ પર રહેલા કાર્તિકે લખ્યું, 'લાંબા સમય સુધી આ વિશે વિચાર્યા પછી, મેં પ્રતિનિધિ ક્રિકેટ રમવાથી ખસી જવાનો નિર્ણય કર્યો છે. હું સત્તાવાર રીતે મારી નિવૃત્તિની જાહેરાત કરું છું અને મારા રમવાના દિવસોને પાછળ છોડી રહ્યો છું અને આગળના નવા પડકારો માટે તૈયાર થઈ રહ્યો છું'.
કોચ અને ચાહકોનો આભાર માન્યો: કાર્તિકે લખ્યું, 'હું મારા તમામ કોચ, કેપ્ટન, પસંદગીકારો, ટીમના સાથી અને સપોર્ટ સ્ટાફ મેમ્બરનો આભાર માનું છું, જેમણે આ લાંબી મુસાફરીને સુખદ અને આનંદપ્રદ બનાવી છે.' કાર્તિકે તેના માતા-પિતા, પત્ની દીપિકા અને ચાહકોનો આભાર માન્યો હતો. કાર્તિકે ચાહકો માટે લખ્યું, 'અમારી શાનદાર રમતના તમામ ચાહકોનો ખૂબ ખૂબ આભાર! તમારા સમર્થન અને શુભકામનાઓ વિના ક્રિકેટ અને ક્રિકેટરોનું અસ્તિત્વ ન હોત'.