નવી દિલ્હી: દિલ્હી પોલીસે લિવ-ઇન પાર્ટનર શ્રદ્ધા વોકરની હત્યા કેસમાં આરોપી આફતાબ પૂનાવાલા વિરુદ્ધ ડિજિટલ અને ફોરેન્સિક પુરાવાના અહેવાલો ધરાવતી પૂરક ચાર્જશીટ દાખલ કરી છે. કોર્ટના સૂત્રોએ મંગળવારે જણાવ્યું કે, મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ અવિરલ શુક્લા સમક્ષ લગભગ 3,000 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.
આફતાબ પૂનાવાલા પર મે 2022માં રાષ્ટ્રીય રાજધાનીમાં મેહરૌલીમાં શ્રદ્ધા વોકરનું ગળું દબાવવાનો અને તેના શરીરના ટુકડા કરવાનો આરોપ છે. ત્યારબાદ ઓળખ ટાળવા માટે શ્રધ્ધાના શરીરના ભાગો શહેરના જુદા જુદા વિસ્તારોમાં વેરવિખેર કરવામાં આવ્યા હતા. આરોપી પૂનાવાલા પર ભારતીય દંડ સંહિતાની કલમ 302 (હત્યા) અને 201 (ગુનાના પુરાવા ગાયબ કરવા) હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે.
કોર્ટના સૂત્રોએ જણાવ્યું હતું કે, ચાર્જશીટમાં મુખ્યત્વે ગૂગલ લોકેશન, સર્ચ હિસ્ટ્રી અને અન્ય ડિજિટલ અને ફોરેન્સિક પુરાવાના રિપોર્ટનો સમાવેશ થાય છે. પોલીસે દાવો કર્યો છે કે, આ પુરાવા પૂનાવાલા સામેના આરોપોની પુષ્ટિ કરે છે. અગાઉ, ગયા વર્ષે જાન્યુઆરીમાં પૂનાવાલા વિરુદ્ધ 6,629 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે મે 2022માં આફતાબ પૂનાવાલાએ શ્રદ્ધા વોકરના શરીરના 32 ટુકડા કરી જંગલમાં ફેંકી દીધા હતા. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે શ્રદ્ધાના મિત્રએ તેના પિતાને કહ્યું કે શ્રદ્ધા સાથે ઘણા દિવસોથી કોઈ સંપર્ક નથી.