નવી દિલ્હી : યુટ્યુબર એલ્વિસ યાદવ પર રેવ પાર્ટીનું આયોજન કરવા અને તેમાં સાપનું ઝેર સપ્લાય કરવાનો આરોપ છે. આ કેસમાં એલ્વિસ યાદવ સામે દાખલ થયેલી 1200 પાનાની ચાર્જશીટમાં ઘણી મહત્વપૂર્ણ માહિતી બહાર આવી છે. દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે, પોલીસે એલ્વિસને કેસ સાથે જોડાયેલા કુલ 121 સવાલ પૂછ્યા હતા. એલ્વિસે મોટાભાગના પ્રશ્નોના જવાબ હા કે ના માં આપ્યા હતા.
એલ્વિસ યાદવે આરોપ ફગાવ્યા : ચાર્જશીટ મુજબ એલ્વિસે ઘણા સવાલો પર કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો. માર્ચ મહિનામાં નોઇડા પોલીસે ડ્રગ પાર્ટીમાં સાપનું ઝેર સપ્લાય કરવાના કેસમાં એલ્વિસની ધરપકડ કરી હતી. જોકે, પાંચ દિવસ બાદ તેને જામીન મળી ગયા હતા. ચાર્જશીટમાં એલ્વિસે પોતાના પર લાગેલા આરોપોને નકારી કાઢ્યા છે. પાર્ટીઓનું આયોજન કોણે કર્યું, કયા મિત્રોએ હાજરી આપી, સાપ ક્યાંથી આવ્યા, કોણે ઝેર કાઢ્યું. સાપનું શું થયું ? એલ્વિસે આવા તમામ પ્રશ્નોના જવાબ આપ્યા નહોતા.
એલ્વિસનો ખુલાસો : ચાર્જશીટમાં નોઈડા પોલીસની પૂછપરછ દરમિયાન એલ્વિસે કહ્યું કે, તે સાપ, મોટી ગરોળી કે અન્ય કોઈ જીવથી બિલકુલ ડરતો નથી. તેને કોબ્રા, ક્રેટ, રેટ સ્નેક, ગ્રીન સ્નેક અને ઓરેન્જ સ્નેક સ્નેકને પકડવું, ગળામાં નાખવા અને ટચ કરવા ગમે છે. પૂછપરછ દરમિયાન એલ્વિસ યાદવે કહ્યું કે, તેનો કોઈ મદારી સાથે સીધો સંપર્ક નથી અને મદારી રાહુલ સાથે સીધી વાત પણ કરતો નહોતો. તે તેના મિત્ર વિનય યાદવ દ્વારા ઈશ્વરનો સંપર્ક કરતો હતો.
1200 પાનાની ચાર્જશીટ : ચાર્જશીટ અનુસાર એલ્વિસ યાદવ ઇન્ટરનેટ પરથી વર્ચ્યુઅલ નંબર 1251301...નો ઉપયોગ કરતો હતો. આ વર્ચ્યુઅલ નંબર દ્વારા મદારીનો સંપર્ક કરીને મોટી પાર્ટીઓ માટે સાપની વિવિધ પ્રજાતિઓ અને સાપનું ઝેર મંગાવતો હતો. પોલીસે મદારી રાહુલના નિવેદનને સમગ્ર મામલામાં મુખ્ય આધાર ગણાવ્યો છે.
ઝેર આપનાર મદારીનું નિવેદન : ચાર્જશીટમાં રાહુલનું નિવેદન છે કે, હું એલ્વિસ યાદવની પાર્ટીને સાપનું ઝેર આપું છું. એલ્વિસ યાદવના પ્રોગ્રામમાં પણ ઘણી વખત ઝેરી સાપ અને સાપનું ઝેર આપ્યું હતું. આ માટે મને સારી એવી રકમ મળતી હતી. હું એલ્વિસ યાદવની સૂચના પર કામ કરું છું. તે દિવસે 2 નવેમ્બર 2023 ના રોજ એલ્વિસ યાદવનું નામ આપીને બોલાવવામાં આવ્યો, તેથી હું ગયો હતો.
મદારીનો ખુલાસો : ચાર્જશીટમાં પોલીસ બાતમીદારનો પણ ઉલ્લેખ છે. જેના અનુસાર મદારી રાહુલ ઝેરી સાપને એકઠા કરે છે, તેનું ઝેર કાઢે છે અને રેવ્સ જેવી મોટી પાર્ટીઓને સપ્લાય કરે છે. જોકે, મદારી રાહુલનું કહેવું છે કે, પોલીસ સ્ટાફે દબાણ કરીને આ નિવેદન લીધું હતું.