નવી દિલ્હી : દિલ્હીમાં કથિત દારૂ કૌભાંડ કેસની તપાસ કરી રહેલી કેન્દ્રીય એજન્સી ઈડીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ફરીથી સમન્સ મોકલીને 26 ફેબ્રુઆરીએ પૂછપરછ માટે બોલાવ્યા છે. આ પહેલા ઈડીએ કેજરીવાલને છ સમન્સ મોકલ્યા છે. ઈડીએ છેલ્લું સમન્સ મોકલ્યું હતું અને 19મી ફેબ્રુઆરીએ પૂછપરછ માટે બોલાવ્યા હતાં. અગાઉ 31 જાન્યુઆરીએ ઈડીએ સમન્સ મોકલીને 2 ફેબ્રુઆરીએ મુખ્યમંત્રીને સમન્સ પાઠવ્યા હતાં. પરંતુ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઈડી સમક્ષ ગયા ન હતા. જે બાદ ઈડીએ રાઉઝ એવન્યુ કોર્ટમાં અરજી દાખલ કરી હતી અને કોર્ટના હસ્તક્ષેપની માંગ કરી હતી.
હાલમાં કેજરીવાલ બજેટ સત્રમાં વ્યસ્ત : જ્યારે કોર્ટ 17 ફેબ્રુઆરીએ કેસની સુનાવણી કરી રહી હતી, ત્યારે દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાજર થયાં હતાં અને કહ્યું હતું કે તેઓ હાલમાં દિલ્હી વિધાનસભાના બજેટ સત્રમાં વ્યસ્ત છે અને આગામી સુનાવણીમાં તેઓ ચોક્કસપણે હાજર થશે.
દિલ્હી સરકારની દારૂની નીતિમાં કૌભાંડ : ગુરુવારે, ઈડીએ દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે સમન્સ મોકલ્યું છે. દિલ્હી શરાબ કૌભાંડમાં અરવિંદ કેજરીવાલ પર આરોપ છે કે આ દારૂની નીતિ અંગેનો ડ્રાફ્ટ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે બનાવવામાં આવ્યો હતો અને સમગ્ર મામલો તેમની જાણમાં છે. દિલ્હી સરકારની દારૂની નીતિમાં કૌભાંડની તપાસ કરી રહેલી ઈડીએ નવેમ્બરમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પહેલું સમન્સ મોકલ્યું હતું. જે બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક પછી એક મોકલવામાં આવેલા તમામ સમન્સની અવગણના કરી છે. ઈડી દ્વારા મોકલવામાં આવેલા સમન્સના બદલામાં, તેમણે પોતાનો લેખિત જવાબ મોકલ્યો હતો અને તેમની સામેની કાર્યવાહીને રાજકીય રીતે પ્રેરિત ગણાવી હતી.
કેજરીવાલને 26મીએ બોલાવ્યાં : અગાઉ પણ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા મોકલવામાં આવેલા સમન્સનો લેખિત જવાબ આપવા છતાં ઈડી જે રીતે સતત સમન્સ મોકલી રહ્યું છે, હવે કેજરીવાલની મુશ્કેલીઓ વધી શકે છે. હાલમાં દિલ્હી વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. આ સત્ર માર્ચના પ્રથમ સપ્તાહ સુધી ચાલશે. ત્યાં હવે ઈડીએ 26મી ફેબ્રુઆરીએ અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે બોલાવ્યાં છે. આ સ્થિતિમાં કેજરીવાલ શું નિર્ણય લે છે તેના પર તમામની નજર છે.
સમન્સ ગેરકાયદેસર? : તમને જણાવી દઈએ કે આ પહેલાં સીબીઆઈ દારૂ કૌભાંડમાં કેજરીવાલની પૂછપરછ કરી ચૂકી છે. અગાઉ, ઈડી દ્વારા મોકલવામાં આવેલા સમન્સના જવાબમાં અરવિંદ કેજરીવાલની કાનૂની ટીમે કહ્યું હતું કે તેઓ દરેક કાયદાકીય સમન્સ સ્વીકારવા માટે તૈયાર છે. પરંતુ આ સમન્સ ગેરકાયદેસર છે.