દાર્જિલિંગ: દાર્જિલિંગ ચા, જેને ચાના શેમ્પેન તરીકે ગણવામાં આવે છે, તેનું 2023માં ઉત્પાદન ઘટીને 6.3 મિલિયન કિલોગ્રામ થઈ જવાની સાથે અસ્તિત્વની કટોકટીનો સામનો કરી રહ્યું છે. આ ઉત્પાદન 50 વર્ષમાં સૌથી ઓછું છે. દાર્જિલિંગ જિલ્લામાં 87 ટી એસ્ટેટમાંથી અડધોઅડધ વેચાણ માટે મૂકાઇ ગઇે છે અને એક સમયે દાર્જિલિંગ ચાના સૌથી મોટા ખરીદદાર જાપાને તેની આયાતમાં ઘટાડો કર્યો છે.
નિકાસકારો અને દાર્જિલિંગ ચાના વાવેતરકારોએ જણાવ્યું હતું કે દાર્જિલિંગ ચા ઉદ્યોગ હવે આઈસીયુમાં છે અને તેને પુનર્જીવિત કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે.
2017માં ગોરખા જનમુક્તિ મોરચા દ્વારા દાર્જિલિંગની ટેકરીઓમાં આંદોલન દરમિયાન દાર્જિલિંગ ચા ઉદ્યોગ જે ફટકો લગાવ્યો હતો તેમાંથી બહાર આવી શક્યો ન હતો. ચાના બગીચા લગભગ ચાર મહિના સુધી બંધ રહ્યા અને વિદેશી ખરીદદારો જતાં રહ્યાં. કોવિડ રોગચાળાએ દાર્જિલિંગ ટી એસ્ટેટના નસીબને વધુ ઓછું કરી દીધું.
દાર્જિલિંગ ચા વાવેતર કરનારાઓએ નાણાકીય કટોકટીનો સામનો કરવો પડ્યો હતો અને તેઓ ચાના બગીચાને વેગ આપવા માટે જરૂરી નાણાંનો ઉપયોગ કરી શક્યા ન હતાં. આજ સુધી, દાર્જિલિંગ ચા ઉદ્યોગને કેન્દ્ર તરફથી કોઈ પુનરુત્થાન પેકેજ મળ્યું નથી, તેમ છતાં તેઓએ સરકારને એક રજૂઆત સબમિટ કરી હતી.
સસ્તી નેપાળ ચાની આયાતથી દાર્જિલિંગ ચા ઉદ્યોગની કટોકટી વધુ ઘેરી બની છે. જે નીચા ઉત્પાદન, નિકાસ બજારોમાં ઓછી માંગ અને નીચી કિંમત વસૂલાતને કારણે પહેલેથી જ નાણાકીય કટોકટીનો સામનો કરી રહી છે. વેપારી સૂત્રોએ જણાવ્યું હતું કે નેપાળ દાર્જિલિંગ ચાના નિકાસ બજારોમાં પણ પ્રવેશવામાં સફળ રહ્યું છે અને હવે તે જર્મની અને જાપાન જેવા દેશોમાં સીધી નિકાસ કરી રહ્યું છે.
દાર્જિલિંગના પ્લાન્ટર્સને ચિંતા છે કે સ્થાનિક ગ્રાહકો નેપાળની ચાને દાર્જિલિંગ ચા તરીકે પી રહ્યા છે, જે તેમના વતનમાં પણ તેમના બજારને નષ્ટ કરી રહ્યું છે.
ગોલ્ડન ટિપ્સ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર માધવ સારદાએ જણાવ્યું હતું કે “નેપાળના ઇલમ જિલ્લો અને પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં સમાન વાતાવરણ છે. તે માત્ર એક કાલ્પનિક રેખા છે જે બેને વિભાજિત કરે છે. ઇલમમાં ઉત્પાદિત ચા લગભગ દાર્જિલિંગ જેવી જ છે. તેથી ઇલમથી ઘણી બધી ચા ભારતમાં પ્રવેશી રહી છે અને સ્થાનિક બજારમાં દાર્જિલિંગ ચા તરીકે વેચાઈ રહી છે અને દર વર્ષે વોલ્યુમ ધીમે ધીમે વધી રહ્યું છે.
સારદાએ કહ્યું કે નેપાળી ચા દાર્જિલિંગની ચા કરતાં લગભગ 35થી 50 ટકા સસ્તી છે. “તે દાર્જિલિંગ ચા સાથે ભેળવવામાં આવે છે અને દાર્જિલિંગ ચા તરીકે વેચાય છે. ગ્રાહકો દાર્જિલિંગ ચા અને નેપાળી ચા વચ્ચે તફાવત કરી શકતા નથી. ચાના નિષ્ણાતો પણ ક્યારેક બંને વચ્ચે તફાવત કરવામાં નિષ્ફળ જાય છે,”
દાર્જિલિંગ ટી એસોસિએશનના મુખ્ય સલાહકાર સંદીપ મુખર્જીએ જણાવ્યું હતું કે “દાર્જિલિંગની 87 ટી એસ્ટેટમાંથી 7 કાયમી ધોરણે બંધ છે. તેમાંથી ઘણા કોઈક રીતે જીવિત છે અને કામદારોના વૈધાનિક લેણાંની ચુકવણી કરવામાં સક્ષમ નથી. દાર્જિલિંગ ઉદ્યોગનું ભાવિ અનિશ્ચિત છે અને અમને ખબર નથી કે બગીચા કેટલા સમય સુધી તેમની કામગીરી ચાલુ રાખશે.”
“દાર્જિલિંગ ચા ઉદ્યોગ આઈસીયુમાં છે અને આ વર્ષે નિકાસ ઓછી થશે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેએ દાર્જિલિંગ ચાને પુનર્જીવિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ,” ભારતીય ચા નિકાસકારો એસોસિયેશન (ITEA) ના ચેરમેન, અંશુમન કનોરિયાએ આ ઉદ્યોગના ભાવિ અંગે ચિંતા કરતાં જણાવ્યું હતું.