સાંગલીઃ મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના આટપાડીમાં એક નાળામાં વહેતી નોટોને લેવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. હકીકતમાં અંબાબાઈ નાળામાં 500-500 રૂપિયાની ઘણી નોટો વહી રહી હતી. આ નોટોને લેવા માટે લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી
શનિવારે સાપ્તાહિક બજારમાં આવેલા લોકોએ જોયું કે 500-500 રૂપિયાની નોટો ગટરમાં વહી રહી છે. ત્યાર બાદ લોકો આ નોટોને લેવા માટે નાળામાં કૂદી પડ્યા હતા. અનુમાન છે કે, લોકોએ અંદાજે બે થી અઢી લાખ રૂપિયા ભેગા કર્યા હતા.
મળતી માહિતી મુજબ, આટપાડી નગરમાં શનિવારે સાપ્તાહિક બજાર ભરાઈ છે. આ બજાર ગામમાં જ અંબાબાઈ મંદિરની બાજુમાં નાળા પાસે આ બજાર દર અઠવાડીએ ભરાઈ છે. બજારનો દિવસ હોવાથી સવારથી જ લોકો આવતા-જતા હતા. સવારે 9 વાગ્યાની આસપાસ બજારમાં જતા કેટલાક નાગરિકોએ જોયું કે નાળામાંથી નોટો વહી રહી છે.
આ પછી કેટલાક લોકો નાળામાં પ્રવેશ્યા અને તપાસ કરી કે શું આ નોટો અસલી છે? 500 રૂપિયાની નોટ અસલી હોવાની માહિતી મળ્યા બાદ આ સમાચાર વાયુ વેગે આ વિસ્તારમાં ફેલાઈ ગયા. આ પછી મોટી સંખ્યામાં લોકો નોટો લેવા માટે નાળામાં કૂદી પડ્યા હતા.
નોટો ક્યાંથી આવી?
આ દરમિયાન આટપાડી પોલીસને જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે લોકોને ગટરમાંથી બહાર કાઢીને નોટો એકત્ર કરવાની કામગીરી શરૂ કરી હતી. પરંતુ આ નોટો આવી ક્યાંથી? કોણે અને શા માટે નાળામાં નાખી ? તે હજી જાણી શકાયું નથી.