નવી દિલ્હી: સોમવારે એટલે કે આજે દિલ્હી હાઈકોર્ટ અરવિંદ કેજરીવાલની CBI ધરપકડ અને તેમની વચગાળાની જામીન અરજીને પડકારતી અરજી પર પોતાનો ચુકાદો સંભળાવશે. હાઈકોર્ટના ન્યાયાધીશ નીના બંસલ કૃષ્ણાએ 17 જુલાઈના રોજ બંને પર ચુકાદો અનામત રાખ્યો હતો. કેજરીવાલની નિયમિત જામીન અરજી પર પણ કોર્ટમાં સુનાવણી થશે. કેજરીવાલ વિરુદ્ધ દિલ્હી લિકર પોલિસી સંબંધિત ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગનો કેસ ચાલી રહ્યો છે.
CBI ભ્રષ્ટાચાર કેસની તપાસ કરી રહી છે, જ્યારે ED મની લોન્ડરિંગની તપાસ કરી રહી છે. રાઉઝ એવન્યુ કોર્ટમાં 25 જુલાઈના રોજ ભ્રષ્ટાચારના કેસની સુનાવણી થઈ હતી. જેમાં કોર્ટે કેજરીવાલની જ્યુડિશિયલ કસ્ટડી 8 ઓગસ્ટ સુધી લંબાવી હતી.
જ્યારે કેજરીવાલ ED મની લોન્ડરિંગ કેસમાં 31 જુલાઈ સુધી જેલમાં રહેશે. કેજરીવાલની 21 માર્ચે ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ રાઉઝ એવન્યુ કોર્ટે તેને કસ્ટડીમાં મોકલી દીધો હતો. સીબીઆઈએ 26 જૂને કેજરીવાલની ધરપકડ કરી હતી. કેજરીવાલ ઉપરાંત, કોર્ટે મનીષ સિસોદિયા, BRS નેતા કે કવિતા અને અન્ય આરોપીઓની ન્યાયિક કસ્ટડી પણ 31 જુલાઈ સુધી લંબાવી છે.
ધરપકડને પડકારતી અરજી પર સુનાવણી દરમિયાન કેજરીવાલ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ કેજરીવાલની ધરપકડની તુલના પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન સાથે કરી હતી. સિંઘવીની દલીલો આપતાં તેમણે કહ્યું હતું કે, "CBIએ કેજરીવાલ સામે વીમા ધરપકડ તરીકે કાર્યવાહી કરી છે. વીમા ધરપકડનો અર્થ થાય છે કે 'જ્યારે ધરપકડ એ સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવે છે કે આરોપી જેલમાંથી બહાર ન આવી શકે.'
સિંઘવીએ કહ્યું, "અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી છે અને આતંકવાદી નથી કે તેમને જામીન ન મળવા જોઈએ. સિંઘવીએ કહ્યું કે સીબીઆઈ દ્વારા કેજરીવાલની ધરપકડની કોઈ ઉતાવળની જરૂર ન હતી.