લખનૌ : અખિલેશ યાદવ લોકસભાની ચૂંટણી નહીં લડે તેવા સમાચાર સામે આવ્યાં છે.સમાજવાદી પાર્ટીએ કન્નૌજથી ભત્રીજા તેજ પ્રતાપ યાદવને ટિકિટ આપી છે તો સનાતન પાંડેને બલિયાથી એસપી ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા છે.
અખિલેશ યાદવ મેદાને જંગમાં નહીં ઉતરે : સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ લોકસભા ચૂંટણી નહીં લડે. સમાજવાદી પાર્ટી દ્વારા સોમવારે જાહેર કરવામાં આવેલી અન્ય યાદીમાં પાર્ટીએ તેજ પ્રતાપ યાદવને કન્નૌજ લોકસભા સીટ માટે પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. આ સાથે સપાએ વરિષ્ઠ નેતા સનાતન પાંડેને બલિયા લોકસઊા બેઠક માટે ઉમેદવાર બનાવ્યા છે. આ સાથે અખિલેશ યાદવ કન્નૌજથી ચૂંટણી લડી શકે તેવી તમામ અટકળોનો અંત આવી ગયો છે. જો કે ઈટીવી ભારતે શરૂઆતથી જ એસપી સુપ્રીમો અખિલેશ યાદવ લોકસભાની ચૂંટણી ન લડવાના સમાચાર પ્રકાશિત કર્યા હતા. સોમવારે એસપીએ સત્તાવાર રીતે તેજ પ્રતાપ યાદવને કન્નૌજથી તેના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.
સમાજવાદી પાર્ટીમાં પરિવારવાદ : સમાજવાદી પાર્ટીએ કન્નૌજ સીટ પર તેમના પરિવારમાંથી પણ ઉમેદવાર ઉતાર્યા છે. આ પહેલા ડિમ્પલ યાદવને મૈનપુરીથી, ધર્મેન્દ્ર યાદવને આઝમગઢથી, આદિત્ય યાદવને બદાઉનથી અને અક્ષય યાદવને ફિરોઝાબાદથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. હવે કન્નૌજમાં પણ અખિલેશ યાદવે પોતાના પરિવારના સભ્ય તેજ પ્રતાપ યાદવને ટિકિટ આપી છે.
તેજપ્રતાપ યાદવ પરિવારજન : તેજપ્રતાપ યાદવ મુલાયમસિંહ યાદવના મોટાભાઈ રતનસિંહ યાદવના પૌત્ર છે. તેજ પ્રતાપના પિતા રણવીરસિંહ યાદવ રાજકીય રીતે ખૂબ જ સક્રિય હતાં. પરંતુ તેમનું 36 વર્ષની વયે અકાળે અવસાન થયું હતું. તેઓ બ્લોક ચીફ રહી ચૂક્યા છે. તે સંદર્ભમાં તેજપ્રતાપ યાદવ તેમના ભત્રીજા છે. તેજપ્રતાપની પત્ની રાજલક્ષ્મી બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની પુત્રી છે. એટલે કે તેજપ્રતાપ લાલુ પ્રસાદના જમાઈ છે. તેજ પ્રતાપ મૈનપુરીથી સાંસદ રહી ચૂક્યા છે.