ગુજરાત

gujarat

ઉમરપાડા તાલુકામાં ડબલ મર્ડર થયાનો મામલો, પોલીસે અફઝલ નામના ઇસમ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો - double murder Case in umarpada

By ETV Bharat Gujarati Team

Published : Jun 12, 2024, 7:32 PM IST

ઉમરપાડા તાલુકામાં ડબલ મર્ડર થયાનો મામલો (ETV Bharat gujarat)

સુરત: સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ઊંચવાણ ગામે એક હત્યાની ગંભીર ઘટના સામે આવી છે. કબ્રસ્તાનમાં વોચમેન અને દેખરેખનું કામ કરતા વ્યક્તિને ગઈકાલે કબ્રસ્તાનમાં જતી વખતે કઈંક અજુગતું થયું હોય તેવુ જણાયું હતું. કબ્રસ્તાનના ગેટની બાજુમાં કરેલી તારની વાડ તોડી કોઈક વસ્તુને અંદર ઢસડીને લઈ જવામાં આવી હોય એવું રસ્તા પર પડેલા નિશાનો પરથી લાગી રહ્યું હતું. કબ્રસ્તાનમાં જઇ તપાસ કરતા તાજી કબર ખોદી કોઈકને દાટવામાં આવ્યા હોય એવું લાગી રહ્યું હતું. જોકે વોચમેનને કઈંક અજુગતું લાગી રહ્યું હતું. કેમકે ગામમાં કોઈનું મૃત્યુ થયું નહતું. તો કબર કોણે ખોદી એ પ્રશ્ન મનમાં ઉઠતા વોચમેન દ્વારા ગામના મુસ્લિમ આગેવાનોને જાણ કરી હતી. આગેવાનો કબ્રસ્તાન પહોંચ્યા હતા અને પોલીસને જાણ કરતા ઉમરપાડા પોલીસ તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને ઉમરપાડા પ્રાંત અધિકારીને બોલાવી એમની હાજરીમાં કબર ખોદવામાં આવી હતી. જોકે કબરની અંદરના દ્રશ્ય જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કબરમાં એક નહીં પરંતુ બે મૃતદેહ દાટવામાં આવ્યા હતા. 

બંને મૃતક સુરત શહેરના હોવાનું જણાયું: મૃતદેહોને બહાર કાઢી જોતા બન્નેના ગળા કપાયેલી હાલતમાં જોવા મળ્યા હતા. જેથી પ્રાથમિક દૃષ્ટિએ હત્યા કરવામાં આવી હોય એવી જણાયું હતું. પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. બંને મૃતદેહોની ઓળખ કરવામાં આવી હતી. મળેલા બંને મૃતદેહ સુરત શહેરમાં રહેતા અઝરુદ્દીન ઉર્ફે અઝઝૂ શેખ અને બિલાલ ઉર્ફે ચાંદી સૈયદ નાઓના હોવાનું સામે આવ્યું હતું. હવે આ બંને લોકો અહીં શુ કામ આવ્યા હતા અને તેઓની હત્યા કોને કરી એ પોલીસ માટે તપાસનો વિષય હતો. 

DYSP બી.કે વનારે જણાવ્યું: ગત 8 જૂનના રોજ અફજલ અઝરુદ્દીન અને બિલાલને લઇ સુરતથી ઉમરપાડા આવવા નીકળ્યા હતા. જોકે 2 દિવસ સુધી બિલાલ ઘરે નહી આવતા બિલાલના ભાઈ દ્વારા બિલાલની ગુમસુદાની જાણ સુરત લીંબાયત પોલીસ મથકમાં કરવામાં આવી હતી. સુરત ગ્રામ્ય DYSP બી.કે વનારે જણાવ્યું હતું કે કબર ખોદતા મળેલા મૃતદેહ પૈકીના એક મૃતદેહના પહેરેલા કપડાના ગજવામાંથી એક ચિઠ્ઠી પોલીસને મળી આવી હતી. જેમાં એક મોબાઈલ નંબર લખેલો હતો. એ નંબર પર કોલ કરતા નંબર બિલાલના ભાઈનો હોવાનું સામે આવતા બંને મૃતદેહની ઓળખ થઇ હતી. ઘટનાના દિવસે બીલાલ,અઝરુદ્દીન અને અફજલ ત્રણેય સાથે હતા. જેથી પોલીસે અફઝલની શોધખોળ કરતા અફઝલ હાજર ન મળી આવતા પોલીસે હાલ શંકાના આધારે અફઝલ વિરૂદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો હતો.

આરોપી અફઝલ શેખ વિરૂદ્ધ ચાર ગુનાઓ નોંધાયા: મૃતકો બન્ને સુરત શહેરમાં માથાભારે છાપ ધરાવતા હતા. અને બે પૈકીનો બિલાલ ઉર્ફે ચાંદી જમીલ સૈયદ સલાબતપુરા પોલીસ મથકમાં બે આર્મ્સ એક્ટના ગુનામાં ભૂતકાળમાં પકડાઈ ચૂક્યો હતો.અને વોન્ટેડ આરોપી અફઝલ શેખ વિરૂદ્ધ બનાસકાંઠાના દાંતા પોલીસ મથકમાં IPC 302, સુરતના માંગરોળ પોલીસ મથકમાં IPC 399 મુજબનો ગુનો અને ઉમરપાડા પોલીસ મથકમાં જુગારધારા અને IPC 498 (ક) મુજબ કુલ ચાર ગુનાઓ નોંધાયા છે. જેથી મૃતકો અને વોન્ટેડ આરોપી ગુનાહિત ઇતિહાસ અને માથાભારે હોવાથી પોલીસને ગેંગવોર અથવા ભાગબટાઈમાં આ ડબલ મર્ડરની ઘટના બની હોવાની આશંકાઓ છે. 

બનેલ ડબલ મર્ડરની હત્યાની ઘટનાને લઇને ઉમરપાડા પોલીસ સાથે સાથે જિલ્લા એલસીબી, SOGની ટીમ પણ તપાસમાં જોતરાઈ ગઈ છે. અને પોલીસ પકડથી દુર રહેલ અફઝલ શેખ અને અન્ય સાગરીતોને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. અફઝલ શેખ પોલીસ હાથે લાગ્યા બાદ જ હત્યાનું કારણ જાણવા મળશે. 

  1. પ્રેમી સાથે મળી પત્નીએ પતિનું કાસળ કાઢી નાખ્યું...આડા સબંધની આડમાં થઈ ધાતકી હત્યા - jamnagar murder case
  2. વાપી અને ઉમરગામ નજીકથી મળેલા શંકાસ્પદ મૃતદેહોનો ભેદ ઉકેલાયો, પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા - Murder accused arrested in Vapi and Umargam

ABOUT THE AUTHOR

...view details