કામરેજના ગળતેશ્વર ખાતે તાપી નદીમાં ડૂબી ગયેલ યુવકનો મૃતદેહ મળ્યો - Surat News - SURAT NEWS
Published : Jun 18, 2024, 10:25 PM IST
સુરતઃ કામરેજના ગળતેશ્વર મહાદેવ મંદિર પાસે તાપી નદીમાં યુવક ડૂબી ગયો હતો. લાંબી શોધખોળ બાદ યુવકો મૃતદેહ મળી આવ્યો. સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ટીંબા ગામની સીમમાં આવેલ ગળતેશ્વર મહાદેવ મંદિર પાસે પસાર થતી તાપી નદીમાં ગત રોજ એક યુવક ડૂબી ગયો હતો. આ ઘટનાની જાણ બારડોલી ફાયર વિભાગને કરવામાં આવતા બારડોલી ફાયર વિભાગના તરવૈયાઓ સ્થળ પર દોડી આવ્યા હતા. લાપતા યુવકની શોધખોળ હાથ ધરી હતી. ભારે જહેમત બાદ યુવકનો ઊંડા પાણીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. જુવાન જોધ દીકરાનું નદીમાં ડૂબી જવાથી મોત થતાં પરિવાર શોકમાં ડૂબી ગયો હતો. મૃતક યુવકનું નામ આર્યન શિવદયાળ વિશ્વકર્મા છે. જે મિત્રો સાથે ફરવા ગળતેશ્વર મહાદેવ મંદિરે આવ્યો હતો અને તાપી નદીમાં નાહતી વેળાએ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. કામરેજ પોલીસ મથકના પોલીસ કર્મચારી જયેશભાઈએ જણાવ્યું હતું કે, તાપી નદીમાં યુવક ડૂબી ગયો હોવાની જાણ થતાં જ અમારી ટીમ તુરત સ્થળ પર દોડી ગઈ હતી. હાજર ફાયર વિભાગના જવાનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. થોડા કલાકો બાદ મૃતદેહને શોધી કાઢવામાં આવ્યો હતો. મૃતક યુવકના ભાઈએ પોલીસ મથકે ફરિયાદ આપી છે. ફરિયાદના આધારે પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે.