ઘર કંકાસથી ઘર નંદવાયું, સુરતના દેવધમાં પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી - Surat News
Published : Jun 3, 2024, 5:53 PM IST
|Updated : Jun 3, 2024, 6:03 PM IST
સુરતઃ ગોડાદરાના દેવધના ખેતરમાં ઘરકંકાસથી કંટાળી જઈ પતિએ પત્નીની પાવડો મારી હત્યા કર્યા બાદ પોતે પણ ઝેરી પ્રવાહી પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગોડાદરા પોલીસે આ મામલે પતિ સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો. ગોડાદરા નજીક દેવધ ખાતે રહેતા રાધાબેન કિશનભાઈ રાઠોડ (24) ખેતરમાં મજૂરી કામ કરે છે. તેમના પિતા ભીખાજી રાઠોડે પ્રથમ લગ્ન હંસાબેન સાથે કર્યા હતા. જે થકી સંતાનમાં પુત્રી રાધાબેન અને પુત્ર ધર્મેશ છે. માતાના મૃત્યુ બાદ તેણીના પિતા ભીખાએ વૈશાલીબેન સાથે બીજા લગ્ન કર્યા હતા. તેઓ દેવધ ખાતે સર્વે નં. 151વાળા ધર્મેશભાઈના ખેતરમાં આવેલી ઓરડીમાં રહેતા હતા અને ત્યાં જ ખેતમજૂરી કરતા હતા. સાવકી માતા વૈશાલીને અગાઉના પતિ થકી 3 સંતાનો છે. જે પૈકી 2 બાળકો રાધા સાથે રહે છે. દરમિયાન રાધાબેન દેવધ ખાતે ધર્મેશભાઈ ના ખેતરમાં કેરી વીણવા ગયા હતા. અહીં તેણીના પિતા જોઈ જતા તેઓએ બૂમાબૂમ કરી હતી. જેથી તેણી ઓરડી પાસે જતા ત્યાં ઓરડીના ઓટલા પર માતા વૈશાલી બેહોશ હાલતમાં પડેલી જોવા મળી હતી. પિતા ભીખાભાઈ ઊલટીઓ કરતા નજરે પડ્યા હતા. રાધાએ પિતાને પૂછ્યું તો તેમણે જણાવ્યું કે, ગતરાત્રે તારી મમ્મી સાથે ઝઘડો થયો હતો. જેથી ઉશ્કેરાટમાં તેને પાવડો મારતા તે મરી ગઈ છે. મેં ઘાસ મારવાની દવા પી લીધી છે " એવું કહ્યું હતું. પિતાએ માતા વૈશાલીને કપાળ, દાઢી, કમર તથા પીઠના ભાગે આડેધડ પાવડા વડે હુમલો કરી હત્યા કરી દીધી હતી. ત્યારબાદ રાધાબેને પતિને બોલાવી સમગ્ર હકીકત વર્ણવતા 108માં પિતા ભીખાને સારવારાર્થે સિવિલ ખસેડયા હતા. દંપતી વચ્ચે રોજ ઝઘડા થતા હતા. બનાવ અંગે રાધાબેને ફરિયાદ આપતા ગોડાદરા પોલીસે ભીખા બહાદુર રાઠોડ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો.