કામરેજના ગલતેશ્વર ખાતે તાપી નદીમાં ડૂબી ગયેલ 25 વર્ષીય યુવકનો મૃતદેહ મળ્યો - Surat News
Published : Jun 14, 2024, 7:24 PM IST
સુરતઃ પલસાણા તાલુકાના 25 વર્ષીય પવન પંડિત સુથાર અને 26 વર્ષીય આકાશ પંડિત સુથાર બંને ભાઈઓ મિત્ર મહેશ, યોગેશ તેમજ ઈશ્વર પાટીલ હલધરૂ સાથે 2 બાઈક પર કામરેજના ગલતેશ્વર ખાતેના સ્વીમીંગ પુલમાં નાહવા જવાના હતા. ટીંબા નજીક પહોચતા જ આકાશ, ઈશ્વર અને મહેશે બાઈક ઉભી રાખી સ્વીમીંગ પુલમાં નહિ પરંતુ બૌધાન ગલતેશ્વર પુલ નજીકની તાપી નદીમાં નહાવા જવાનું નક્કી કર્યુ. પાંચ પૈકી આકાશ, યોગેશ, મહેશ અને ઈશ્વર તાપીમાં નહાવા પડ્યા હતા જ્યારે પવન નહાવા નહી જતા કિનારે જ બેઠો હતો. આકાશ અને ઈશ્વર તાપી નદીના ઊંડા પાણીમાં ડુબવા લાગતા ઈશ્વરે બૂમાબૂમ કરી મુકતા નજીકમાં નાહવાવાળાએ ઈશ્વરને ડૂબતો બચાવી લીધો હતો. જ્યારે કિનારે બેઠેલા પવનનો ભાઈ આકાશ ઊંડા પાણીમાં ગરક થઈ ગયો હતો. પવને 100 નંબર પર ફોન કરતા સ્થળ પર આવેલી કામરેજ પોલીસે ફાયર ટીમને બોલાવી હતી. ઘટના સ્થળે આવેલી ફાયર ટીમે સાંજના છ વાગ્યા આસપાસ આકાશનો મૃતદેહ શોધી કાઢ્યો હતો. મૃતક આકાશના ભાઈ પવન પંડિત સુથારે કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. કામરેજ પોલીસ મથકના પોલીસ કર્મચારી જયેશભાઈએ જણાવ્યું હતું કે, બનાવની જાણ થતાં જ અમારી ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર વિભાગની મદદથી મૃતદેહને શોધી કાઢ્યો હતો. હાલ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.