અમરેલી: આપણા ગુજરાત સહિત દેશમાં દિવસેને દિવસે વાહન અકસ્માતોની સંખ્યા વધી રહી છે, સૌથી વધુ વાહન અકસ્માતોમાં મોટાભાગના અકસ્માત રોડ-રસ્તાઓ પર અડીંગો જમાવીને બેસી રહેતા, પશુઓના કારણે થતાં હોય છે. ત્યારે, આવા વાહન અકસ્માતો નિવારવા અને માનવ જાનહાની ટાળવા માટે અમરેલી જિલ્લાના સાવરકુંડલા સ્થિત ઉપાસના ચેરિટેબલ ટ્રસ્ટના ધારાબેન ગોહિલ અને તેમની ટીમ દ્વારા નવતર પહેલ શરૂ કરવામાં આવી છે.
રોડ-રસ્તાઓ પર બેસેલા કે વિચરી રહેલા રખડતા પશુઓ સાથે વાહનોની અથડામણમાં માનવ મૃત્યુંને ટાળવા કે પશુઓને હાની થતાં અટકાવવા માટે ધારાબેન ગોહિલ અને તેમની ટીમ પશુઓને ખાસ પ્રકારની રેડિયમ પટ્ટી પહેરાવવાનું કાર્ય કરી રહ્યાં છે. આમ તેઓ પશુઓ સાથેના વાહન અક્સ્માત રોકવાનું સેવાકીય કાર્ય કરી રહ્યાં છે.
શિયાળાની કડકડતી ઠંડીની રાત્રીમાં ધારાબેન ગોહિલ અને તેમની ટીમ રખડતા પશુઓને રેડિયમ બેલ્ટ પહેરાવવાની કામગીરી માટે નીકળી પડે છે. તેની પાછળનું એક કારણ તેમના એક યુવા મિત્રનું પશુઓ સાથે વાહન અથડાવવાથી થયેલા અકસ્માતમાં મૃત્યુનું પણ છે. ધારાબેન ગોહિલની ટીમ દ્વારા પશુઓને રેડિયમ પટ્ટી પહેરવવામાં આવે છે.
જેથી રાત્રિના ડ્રાઈવ કરતા વાહનચાલકોને રેડિયમ પટ્ટીની ચમક થી ખ્યાલ આવે કે રસ્તા પર કોઈ છે, જેથી તેઓ વાહન ધીમા પાડે છે અને અકસ્માતની ઘટના બનતા ટાળી શકાય છે. આ ભગીરથ પ્રયાસ માટે ધારાબેન સ્વ ખર્ચે મુંબઈથી સ્પેશિયલ રેડિયમ પટ્ટા મંગાવે છે, અને ત્યાર બાદ ગામની શેરી શેરીએ રખડતા પશુઓને રેડિયમ બેલ્ટ પહેરાવવાની કામગીરી માટે નીકળી પડે છે.
ધારા બહેન ગોહિલ તેમજ તેમના મિત્રો છેલ્લાં એક વર્ષથી આ ઉમદા કાર્ય કરી રહ્યાં છે, પોતાના મિત્રને ગુમાવ્યા બાદ અન્ય કોઈ વ્યક્તિ કે પરિવારને પોતાના સભ્યને ગુમાવવા ન પડે તે માટે ધારાબેન અને તેમની ટીમ સતત કાર્ય કરી રહી છે, અને એટલે જ તો રાત્રિના સમયે ગમે તેવી ઠંડી હોય, ગરમી હોય કે પછી ધોધમાર વરસાદ હોય, પરંતું તેઓ પશુઓને બેલ્ટ બાંધવાનું કાર્ય ભૂલતા નથી. આમ પશુઓને હાનીની સાથે માનવ જીવનની જાનહાની ટાળવાનો પણ તેઓ પ્રશંસનીય પ્રયાસ કરી રહ્યાં છે.