Patan News : માયાભાઈ આહીરના સૂરોના રંગે રંગાઈ રાણીની વાવ, સંગીત સમારોહની રંગત માણો - રાણીની વાવ
Published : Mar 5, 2024, 11:37 AM IST
પાટણ : ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર તથા જિલ્લા વહીવટીતંત્ર, પાટણના સંયુક્ત ઉપક્રમે વિશ્વ વિરાસત રાણીની વાવ ઉત્સવનું બે દિવસીય સંગીત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટણના સાંસદ ભરતસિંહ ડાભી અને જિલ્લા પંચાયત પ્રમુખ હેતલ ઠાકોરની ઉપસ્થિતિમાં સંગીત સમારોહ યોજાયો હતો. લોકસભા બેઠકના ઉમેદવાર ભરતસિંહ ડાભીએ પાટણ નગરજનોને સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે પાટણ એ ગુજરાતની પ્રથમ રાજધાની હતું. પાટણથી જ સમગ્ર ગુજરાતનો કારોબાર અને વહીવટ ચાલતો હતો. ત્યારે આ ભવ્ય ઇતિહાસને ધરોહણને સાચવી રાખવાની જવાબદારી સૌ નગરજનોની છે. પ્રથમ દિવસે સુપ્રસિદ્ધ સાહિત્યકાર કલાકાર માયાભાઈ આહીરે જોરદાર જમાવટ કરી છંદ દોહા અને લોકસાહિત્યના કથાનોથી શ્રદ્ધાઓને ડોલાવ્યા હતાં. માયાભાઈ આહીરેે જણાવ્યું હતું કે પાટણ આવવાનો આનંદ કંઈક અનેરો હોય છે. પાટણ એ ભારતની સંસ્કૃતિનું પ્રતીક છે. જ્યારે હું ભણતો હતો ત્યારે ગુજરાતના નાથમાં પાટણનીે સંસ્કૃતિ વિશે જાણ્યું હતું કે 10 મી સદીમાં બનાવેલી રાણીની વાવ એ તે સમયે ભારત અને ગુજરાતની સંસ્કૃતિની કેવી જાહોજલાલી હશે તે વાતની પ્રતીતિ કરાવે છે. રાણીની વાવ ઉત્સવ અંતર્ગત ઐતિહાસિક રાણીની વાવને રોશનીથી શણગારવામાં આવી હતી. મોટી સંખ્યામાં નગરજનો કાર્યક્રમ જોડાયા હતાં અને ડાયરાની મોજ માણી હતી.