International Women's Day : પતિની રક્ષા કાજે દીપડા સાથે બાથ ભીડનાર વીરાંગના- પાર્વતીબેન ચૌધરી
Published : Mar 9, 2024, 3:18 PM IST
સુરત : વાંકલ ગામના વેરાવી આશ્રમ શાળા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મહિલાઓના હક, અધિકાર અને સશક્તિકરણ મુદ્દે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન અપાયું હતું. આ તકે દીપડાના હુમલામાં પતિને મોતના મુખમાંથી બચાવનાર એક બહાદુર મહિલાનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું.
વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ઓગણીસા ગામે દીપડાના હુમલામાં પતિને મોતના મુખમાંથી બચાવનાર પત્નીનું સન્માન કરવામાં આવ્યું છે. મહિલાઓમાં હિંમત વધે તે માટે આ આયોજન કરવામાં આવ્યું હતું. -- શકુંતલાબેન ચૌધરી (તાલુકા પંચાયત સભ્ય)
પતિને મોતના મુખમાંથી બચાનાર મહિલા : તાજેતરમાં માંગરોળ તાલુકાના ઓગણીસા ગામના ખેતરમાં ઘર બનાવીને રહેતા પ્રકાશભાઈ ચૌધરી પર દીપડાએ જીવલેણ હુમલો કર્યો હતો. આ તકે તેમના પત્ની પાર્વતીબેન મદદ માટે દોડી આવ્યા અને પતિને મોતના મુખમાંથી બચાવવા માટે દીપડા સાથે બાથ ભીડી હતી. દીપડાએ પીછે હટ કરી અને મહિલાએ પ્રતિકાર કરતા દીપડાને ઘરમાં પૂરી દીધો હતો. આ બનાવમાં પ્રકાશભાઈ ગંભીર રીતે ઘવાયા હતા. ત્યારે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીમાં મહિલા આગેવાનોએ બહાદુર મહિલા પાર્વતીબેન ચૌધરીની હિંમતને બિરદાવતા તેમનું સાલ ઓઢાડીને સન્માન કર્યું હતું.