Siddhpur News: 22મી જાન્યુઆરીએ સિદ્ધપુરમાં માંસ વેચતા વેપારીઓ સ્વયંભૂ બંધ પાળશે - કોમી એક્તા
Published : Jan 21, 2024, 3:03 PM IST
|Updated : Jan 25, 2024, 9:34 PM IST
સિદ્ધપુરઃ અયોધ્યામાં પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા અનુલક્ષીને સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમો શરૂ થઈ રહ્યા છે. આ ઐતિહાસિક ક્ષણની દેશવાસીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ ધન્ય ઘડીની ઉજવણી આખો દેશ દિવાળીની જેમ કરી રહ્યો છે. ભકતો, કલાકારો, વેપારીઓ પોતપોતાની રીતે આ મહોત્સવની ઉજવણીમાં યોગદાન કરી રહ્યા છે. જેમાં સિદ્ધપુરના માંસ મટન વેચતા વેપારીઓ પણ જોડાયા છે. અયોધ્યામાં ભવ્ય રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાને અનુલક્ષીને સિદ્ધપુરમાં માંસ-મટન વેચતા વેપારીઓએ સ્વયંભૂ દુકાન બંધ રાખવાનો નિર્ણય લીધો છે. તેમનો આ નિર્ણય મજબૂત ભાઈચારા અને કોમી એકતાના ઉદાહરણ સ્વરૂપ છે. સિધ્ધપુરમાં માસ મટન અને મચ્છીનો વેપાર કરતાં મુસ્લિમ વેપારીઓએ એક અઠવાડિયા અગાઉ નગર પાલિકાના પ્રમુખ અને કારોબારી ચેરમેન તેમજ સિધ્ધપુર પોલીસને લેખિતમાં પોતાનો નિર્ણય જણાવ્યો છે. જેમાં 22મી જાન્યુઆરીના રોજ સ્વયંભૂ રીતે માંસ-મટનની દુકાનો બંધ રાખવાનો ઉલ્લેખ કર્યો છે.હિન્દુ સમાજના લોકોએ પણ માંસ મટન વેચતા વેપારીઓના આ નિર્ણયને આવકાર્યો છે. રામભકતો પણ આ નિર્ણયની સરાહના કરી રહ્યા છે.
વર્ષોથી અહીં માંસ-મટન વેચતા વેપારીઓએ 22મી તારીખના રોજ થનારા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ નિમિત્તે દુકાનો બંધ રાખવાનો સ્વૈચ્છિક નિર્ણય કર્યો છે...રશ્મિન દવે(ઉપ પ્રમુખ, સિદ્ધપુર પાલિકા)